ઝારખંડના સરાયકેલા જિલ્લામાં આવેલા ધતકીડિહ ગામ ખાતે હિંસક ટોળા દ્વારા બાઇક ચોરીની શંકાએ તબરેઝ અન્સારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યાર પછી પોલીસ વિલંબથી તબરેઝને હોસ્પિટલે લઇ ગઇ હતી અને ત્યાં તબરેઝનું મૃત્યુ નીપજ્યું હતું. તબરેઝની પત્ની શાઇસ્તા સગર્ભા છે. તબરેઝના માતા-પિતા પણ નથી અને શાઇસ્તાના માતા-પિતા બહુ જ ગરીબ હોવાથી શાઇસ્તાને મદદ કરવાની દાનવીરોની જવાબદારી છે. તબરેઝ અન્સારી સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું અને તબરેઝની માતા પણ અવસાન પામ્યા છે. ઉર્દૂ દૈનિક સિયાસતના તંત્રી ઝાહિદ અલીખાને શાઇસ્તાને મદદ કરવાની પરોપકારીઓને અપીલ કરી છે. નોંધનીય છે તબરેઝ સાથે ગયા વર્ષે સાઇસ્તાના લગ્ન થયા હતા.

દિલ્હી વકફ બોર્ડે તબરેઝ અન્સારીની પત્ની માટે પાંચ લાખ રૂપિયા અને નોકરીનું વચન આપ્યું

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દિલ્હી વકફ બોર્ડના ચેરમેન અને આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને ગુરૂવારે જણાવ્યું કે ઝારખંડમાં ગત સપ્તાહે ક્રૂર રીતે રહેંસી નખાયેલા ૨૬ વર્ષીય તબરેઝ અન્સારીની પત્નીને તેમની સંસ્થા પાંચ લાખ રૂપિયા અને નોકરી આપશે. દરમિયાન, તબરેઝની વિધવાએ નાણાકીય મદદ માટે જાહેર અપીલ કરી છે. વોટ્‌સએપ સહિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર શાઇસ્તાના બેંક એકાઉન્ટની વિગતો આપતા ફોટા શેર કરવામાં આવી રહ્યા છે. ખાને જણાવ્યું કે તબરેઝની પત્નીને પાંચ લાખ રૂપિયાનો ચેક મોકલવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સંસ્થા તબરેઝની પત્નીને ચેક સુપરત કરવા માટે ત્યાં જશે. વકફ બોર્ડમાં અમે તબરેઝની પત્નીને નોકરી પણ આપીશું અને તેને કાનૂની સહાય પણ પુરી પાડીશું.