(સંવાદદાતા દ્વારા)
ધોળકા, તા.ર૪
દા’વતે ઈસ્લામી-હિન્દ દ્વારા અમદાવાદ જિલ્લાનાં ધોળકા નજીક ધોળકા-બાવળા હાઈવે ઉપર સિંધરેજ ખાતે રાજ્ય કક્ષાના બે દિવસીય ઈજતેમાં (ધાર્મિક સંમેલન)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.ર૬/૧/ર૦૧૯, શનિવારે સવારે ૧૦ વાગ્યાથી આ ઈજતેમાનો પ્રારંભ થશે. જે તા.ર૭/૧/ર૦૧૯, રવિવારના રાતના ૯ વાગ્યા સુધી ચાલશે. રવિવારે સાંજે મગરીબની નમાઝ બાદ ખુસુસી બયાન, ઝીક્ર અને દુઆનો કાર્યક્રમ યોજાશે. આ ઈજતેમામાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડશે. આ ઈજતેમામાં પધારનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ઈજતેમાગાહ (કાર્યક્રમ સ્થળ) ખાતે દા’વતે ઈસ્લામીના મુબલ્લીગો (કાર્યકરો) ઉપરાંત ધોળકા શહેરના મુસ્લિમ યુવકો તનતોડ મહેનત કરી રહ્યા છે. ધોળકામાં રાજ્ય કક્ષાનો આ ઈજતેમાં યોજાનાર હોવાથી ધોળકાના મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.