સાવરકુંડલા, તા.૮
રાજ્યમાં શિયાળો મધ્યમાં છે ઉતરાયણ નજીક હોય ઠંડીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલ સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લામાં અને ગીર વિસ્તારમાં કાતિલ ઠંડી પડી રહી છે જેના કારણે જન જીવન પણ ખોરવાયું છે. અહીં ઠંડીની અસર મનુષ્યો સાથે સાથે વન્ય જીવોને પણ થઈ રહી છે. ખાસ કરીને ગીરના સિંહો પણ ઠંડીને કારણે અકળાયા છે અને સાંજ થતાં જ સિંહો પોતાની હુક ડણક આપી સતત પોતાના શ્વાસો શ્વાસની પ્રક્રિયા વધારી રહ્યા છે અને પોતાના વિસ્તારમાં સતત પરિભ્રમણ કરી રહ્યા છે. સામાન્ય રીતે સિંહ આળસુ પ્રકૃતિનું પ્રાણી છે જે બેસવાનું વધુ પસંદ કરે છે પરંતુ શિયાળામાં ઠંડી વધે તો સિંહો પણ રોજ ૧૦થી ૧૨ કિ.મી. પોતાનો ચાલવાનો ક્રમ કરી દે છે અને ખાસ કરી સિંહ ઠંડીમાં દિવસે પણ તડકામાં જોવા મળે છે. અહીં ગીર વિસ્તારના ગામો આસપાસના વિસ્તારમાં સિંહો હાલ સિમ ખેતરોમાં તડકે બેસેલા જોવા મળી રહ્યા છે અને તડકે બેસી પોતાની ઠંડી ઉડાડી રહ્યા છે.