નવી દિલ્હી, તા.ર૬
તાજમહેલનાં સંરક્ષણ બાબતે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, તાજ મહેલના સંરક્ષણ માટે કોઈ કંઈ નથી કરી રહ્યું. ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા કોર્ટમાં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે સરકારને જણાવ્યું હતું કે, અહિંયા તમાશો ચાલી રહ્યો છે? કોર્ટે પ્રશ્ન કર્યો કે આટલા સમયમાં પણ તમે ડ્રાફ્ટ રજૂ કરી રહ્યા છો, શું ફરીથી સંશોધન કરશો ? સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન હાજર રહેલા આગ્રાનાં જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું કે અહિંયા તમાશો ચાલી રહ્યો છે કે પછી મજાક ચાલી રહી છે. કોર્ટે કેન્દ્ર અને યુપી સરકારને જણાવ્યું કે કોર્ટને સોમવાર સુધીમાં જણાવવામાં આવે કે તાજની સુરક્ષા માટે કોણ જવાબદાર છે? સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ લોકુરે જણાવ્યું કે એક ઓથોરીટી હોવી જોઈએ જે જવાબદારી લઈ શકે એવું લાગી રહ્યું છે કે બધી જ ઓથોરીટીઓએ તાજની જાળવણીના મુદ્દે હાથ ધોઈ નાખ્યાં છે, અમે એવી સ્થિતિમાં છીએ કે અમે એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે, જેમાં એએસઆઈનો કોઈ સહયોગ નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારને આદેશ આપ્યો છે કે આ માટે અધિકારીઓ અને ઓથોરીટીઓની નિમણૂંક કરવામાં આવે જે તાજમહેલની જાળવણીનું કામ કરશે અને તાજ ટ્રેપેઝિયમ ઝોનને ફરીથી વિકસિત કરશે.