(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ભાજપના ધારાસભ્ય દ્વારા તાજમહેલના ભારતીય વારસામાં સ્થાનને લઈ ઉઠાવેલા પ્રશ્નો બાદ કેન્દ્રીય પર્યટન મંત્રી અલ્ફોન્સ કન્નનથનમે તાજમહેલને ભારતનું ગૌરવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તાજમહેલ ભારતનું ગૌરવ છે. એમાં કોઈ શંકા નથી કે અમને તાજમહેલ પર ગર્વ છે. તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા આ ઐતિહાસિક સ્મારક માટે વિસ્તૃત યોજનાઓ બનાવવામાં આવી છે અને આ મુદ્દે ભાજપનું વલણ બિલકુલ સ્પષ્ટ છે. અલ્ફોન્સે કહ્યું કે તાજ પ્રવાસનનું કેન્દ્ર છે. ઉત્તરપ્રદેશ સરકાર નવા સ્થળોનો વિકાસ કરી રહી છે અને તાજ તો પહેલાંથી જ લોકપ્રિય છે. નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશના સરધનાના વિધાયક સંગીત સોમ દ્વારા ૧૭મી સદીના બેજોડ સ્થાપત્યના ભારતીય વારસામાં સ્થાન અંગે પ્રશ્નો કરાયા હતા તેમજ તેમણે કહ્યું હતું કે મુઘલ રાજાઓને ઈતિહાસમાંથી કાઢી નાંખવા માટે ફરી ઈતિહાસ લખવામાં આવશે. સંગીત સોમે ઈતિહાસને ફેરવી તોડીને નિવેદન આપ્યું હતું કે, તાજ એક એવા સમ્રાટ દ્વારા બનાવવામાં આવ્યો છે જેણે પોતાના પિતાને કેદ કર્યા હતા તેમજ હિન્દુઓને નિશાન બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી સપ્તાહમાં આગ્રા જવાના કાર્યક્રમની જાહેરાત કરતાં કહ્યું છે. તાજ ઐતિહાસિક સ્મારક છે. એ મહત્ત્વનું નથી કે તેનું નિર્માણ કોણે કર્યું. ગોરખપુરમાં નિવેદન આપતાં યોગીએ કહ્યું કે એ મહત્ત્વનું નથી કે કોણે અને કેવી રીતે તાજમહેલ બનાવ્યો. તાજ ભારત માતાના પુત્રોના લોહી અને પરસેવાથી બન્યો છે. ઉત્તરપ્રદેશ પ્રવાસન પુસ્તિકામાં તાજમહેલની સરકાર દ્વારા છાપવામાં આવેલી બાદબાકી બાદ સંગીત સોમે દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું.