ઉત્તરપ્રદેશની યોગી સરકાર દ્વારા રાજ્યની પર્યટન સ્થળની પુસ્તિકામાંથી તાજમહેલને  બાકાત રાખવાનો મામલો હજુ શાંત નથી થયો ત્યાં તો તાજમહેલ અંગે યુપીના ધારાસભ્ય સંગીત સોમે વિવાદાસ્પદ નિવેદન આપી આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું. જોકે, સંગીત સોમના વાંધાજનક નિવેદન સામે દેશના તમામ વિપક્ષોએ સરકાર અને તેમના નેતાઓ પર પસ્તાળ પાડી હતી જેમાં યુપીના આઝમખાને કોઇનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, ફક્ત તાજમહેલ જ કેમ ? સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, કુતુબ મિનાર, લાલ કિલ્લો કેમ નહીં ? તેમણે કહ્યંુ કે, આ તમામ ગુલામીની નિશાનીઓ છે અને તેને તોડી પાડવી જોઇએ. તેમણે કહ્યું કે, હું તો પહેલાથી કહું છું કે, ગુલામીની એ તમામ નિશાનીઓને મિટાવી દેવી જોઇએ જેમાંથી ગઇકાલના શાસકોની ગંધ આવતી હોય. દેખીતું છે કે, જેમને RSSના લોકો ગદ્દાર કહે છે, જો આ ગદ્દારોની નિશાનીઓ છે તો તેમને ધ્વસ્ત કરી નાંખવી જોઇએ. નાના બાદશાહને તો અમે કહ્યું કે, તમે આગળ વધો અમે તમારી સાથે છીએ. પહેલા તમારો પાવડો હશે પછી બીજો અમારો પાવડો ચાલશે. જો સંગીત સોમ તાજમહેલને ભારતીય ધરોહર માનવા માટે તૈયાર ન હોય તો ભાજપના ધારાસભ્ય સાથે વડાપ્રધાન મોદી અને યોગી સાથે અમે પણ તેમને તોડવા માટે આવવા તૈયાર છીએ.