(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
તાજમહલ મુદ્દે ભાજપના ધારાસભ્ય સંગીત સોમે આપેલ નિવેદન પર હોબાળો મચી ઉઠ્યો છે. રાજકીય દળો બાદ હવે બોલિવુડમાંથી પણ સોમની ટીકાઓ થઈ રહી છે. પ્રસિદ્ધ સંગીતકાર જાવેદ અખ્તરે પણ સોમના ઈતિહાસ અંગેના જ્ઞાન પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે તાજમહલ માટે અનેક ટિ્‌વટ કર્યા છે.જેમાં સંગીત સોમની હાંસી ઉડાવતા લખ્યું છે કે, સંગીત સોમ દ્વારા આમ ઈતિહાસની અવગણના કરવી અતિ મહાન કાર્ય છે. શું કોઈ તેમને છઠ્ઠા ધોરણનું પુસ્તક આપશે ? ઉલ્લેખનીય છે, ઉત્તરપ્રદેશની સરકારે પ્રવાસન સ્થળોની યાદીમાંથી તાજમહલને દૂર કરતાં વિવાદ સર્જાયો હતો. જેનાં પર ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહલને ભારતની સંસ્કૃતિ પર કલંક સમાન ગણાવ્યો હતો. તેથી તેઓ ટીકાઓનો ભોગ બન્યા હતા. આ નિવેદન પર એઆઈએમઆઈએમના વડા ઔવેસીએ કહ્યું હતું કે, લાલા કિલ્લો પણ ગદ્દારોએ બનાવ્યો હતો. તો શું વડાપ્રધાન મોદી તેના પર ધ્વજ નહીં ફરકાવે. જાવેદ અખ્તરે સંગીત સોમની આકરી ટીકા કરતાં અન્ય એક ટિ્‌વટ પણ કર્યું હતું. જેમાં કહ્યું હતું કે, તે હેરાન છે. જે લોકો અકબરને નફરત કરી રહ્યા છે. તેમને રોબર્ટ ક્લાઈવથી કોઈ સમસ્યા નથી. અને જે લોકો જહાંગીરથી ઈર્ષ્યા કરી રહ્યા છે તેમણે ક્યારેય હેસ્ટીંગ્ઝનો ઉલ્લેખ સુધ્ધા નથી કર્યો. જે વાસ્તવમાં લૂંટારૂઓ હતા. તાજ પર ચાલી રહેલ નિવેદનબાજી દરમ્યાન મુખ્યમંત્રી યોગી ૨૬ ઓક્ટોબરના રોજ તાજમહલની મૂલાકાત લેવાના છે. અહીં યોગી પર્યટન વિભાગના એક કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે.