(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧
તમારામાં તાકાત હોય તો મારી ટિકિટ કાપી બતાવજો, ભૂતકાળમાં હું શું હતો તેની તપાસ કરી લેજો. હું કોઈનાથી ડરતો નથી. મરવા મારવાથી પણ ડરતો નથી તેવા ધમકીભર્યા શબ્દોચ્ચાર સાથે આજે વાઘોડિયાના ભાજપના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ મીડિયા સમક્ષ જણાવતા વાઘોડિયા તાલુકા ભાજપના સંગઠનમાં સોંપો પડી જવા પામ્યો છે. છેલ્લી પાંચ ટર્મથી વાઘોડિયા તાલુકા વિધાનસભા મત ક્ષેત્રમાંથી ચૂંટાઈ આવતા મધુ શ્રીવાસ્તવને સતિષ પટેલ (ખેરવાડી) તાલુકા પ્રમુખ પદે આવ્યા પછી તીવ્ર ખટરાગ સર્જાયો હતો. સંગઠનની આખી લોબી મધુ વિરૂદ્ધ થઈ ગઈ હતી. દરમિયાન સતિષ પટેલને પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. વિધાનસભા ચૂંટણી નજીક આવતી ગઈ તેમ ભાજપ સંગઠન અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે તિરાડ પહોળી થતી ગઈ. આ તિરાડ એટલી હદે વધી કે સંગઠનના નેતાઓ તેમની ખુલ્લેઆમ અવગણના કરવા લાગ્યા અને કાર્યક્રમોમાં આમંત્રણ સુદ્ધા આપવાનુ બંધ કરી દેવાયું. ગત રવિવારના રોજ તાલુકાનાં કાર્યકરો માટે દિવાળી સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું તેમાંથી પણ તેમની બાદબાકી કરવામાં આવી હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને બદલે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ મળે તેવા પ્રયાસો વાઘોડિયા તાલુકાના સંગઠનના નેતાઓએ શરૂ કર્યા હોવાથી ધારાસભ્ય ધૂઆપુવા થયા છે. આજે તેમણે તીવ્ર પ્રત્યાઘાત આપતા મીડિયા સમક્ષ જે ધમકી ભર્યા ઉચ્ચારણો કર્યા તેને લીધે તાલુકા ભાજપ સંગઠનમાં સોંપો પડી જવા પામ્યો છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએ રજૂઆત કરીશું અને તેમની સામે પગલાં ભરવાનો અધિકાર પ્રદેશને છે.
મધુ શ્રીવાસ્તવે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ભાજપ મને ટિકિટ નહીં આપે તો હું અપક્ષ ચૂંટણી લડી જીતી બતાવીશ. તાલુકામાં ભાજપ સંગઠનના નેતાઓને ખુલ્લી ધમકી આપતા ધારાસભ્યે કહ્યું હતું કે, પ્રતિસ્પર્ધીઓ માપમાં રહે તે તેમના હિતમાં છે હું કોઈને મારી નાંખવાથી ડરતો નથી. મેં બંગડીઓ નથી પહેરી. જરા મારો ભૂતકાળ તપાસી લેજો હું કોણ હતો. તેઓ રાજકારણમાં આવ્યા તે અગાઉ તેમની સામે પોલીસ ચોપડે અનેક ગુનાઓ નોંધાયા હતા.