(એજન્સી) ન્યૂયોર્ક, તા.૩૦
કેલિફોર્નિયાના યોસેમાઈટ નેશનલ પાર્કની ૮૦૦ ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી જતા એક ભારતીય દંપતીનું મોત નિપજ્યું છે. સૈન ફ્રાન્સિસ્કો ક્રોનિકલના અહેવાલ મુજબ વિષ્ણુ વિશ્વનાથ (ર૯) અને મિનાક્ષી મૂર્તિ (૩૦)ની ઓળખ સોમવારે થઈ. બંને ભારતના સોફટવેર ઈજનેર હતા અને તેઓ અમેરિકામાં રહેતા હતા. વિશ્વનાથને સૈન જોસમાં આવેલ સિસ્કો સિસ્ટમ્સ ઈન્કમાં નોકરી મળ્યા બાદ બંને તાજેતરમાં જ ન્યૂયોર્કમાં આવ્યા હતા.
પાર્કના પ્રવક્તા જૈમી રિચર્ડ્‌સ અનુસાર રેન્જર્સને બંનેના મૃતદેહ ૮૦૦ ફૂટ ઊંચાઈની નીચે આવેલી ખીણમાંથી મળી આવ્યા છે. પર્યટકોએ આ દંપતીના મૃતદેહ સોમવારે જોયા હતા.
અહેવાલ અનુસાર હાલ હે બાબત અસ્પષ્ટ છે કે, આ દંપતી નીચે કેજી રીતે પડી ગયું અને ઘટના સમયે તે બંને શું કરી રહ્યા હતા. બંનેના એક મિત્રએ જણાવ્યું કે, આ બંને કેલિફોર્નિયાના દૃશ્યો નિહાળવા માટે ન્યૂયોર્કથી કાર લઈને નીકળ્યા હતા.
આ ઈજનેર દંપતી હોલિડેઝ એન્ડ હેપ્પિલી એવર આફટર્સ નામનો બ્લોગ પણ ચલાવતા હતા જેમાં તેઓ સમગ્ર દુનિયામાં તેમના પ્રવાસના અનુભવો શેર કરતા હતા. તેઓ આ બ્લોગમાં મનોરમ સ્થળો અને તેની સાથે જોડાયેલા જોખમો વિશે પણ લોકોને સાવચેત કરતા હતા.