(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
તક્ષશિલા અગ્નિકાંડને છ મહિનાઓ કરતાં વધુ સમય થઈ ગયો છે. અગ્નિકાંડમાં ૨૨ જેટલા માસૂમોના મોત થયાં હતાં. આ મૃતકોના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે. જો કે આ કેસમાં દોષિત ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી ન થતી હોવાના રોષ અને આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. કમિશનર કચેરીએ પહોંચીને મૃતકોના વાલીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા મૃતકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અડધા વર્ષ કરતાં વધુ સમય દુર્ઘટનાને વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ યોગ્ય પગલાં લેવાયા નથી. ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કોઈ જ એક્શન નથી લેવાયા. અગાઉ ઘણી વાર આવેદનપત્ર પોલીસને આપવામાં આવ્યાં છે પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ છેલ્લું આવેદનપત્ર આપી રહ્યા છીએ હવે પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી.