(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૫
એમ.એસ. યુનિવર્સિટી દ્વારા કોમર્સ ફેકલ્ટીની હાયર પેમેન્ટ બેઠકમાં કરવામાં આવેલા ફી વધારાનાં વિરોધમાં આંદોલન ચલાવી રહેલ એન.એસ.યુ.આઇ. દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીને તાળા મારી દેવામાં આવ્યા હતા. યુનિ ફેકલ્ટીની પેમેન્ટ બેઠક ઉપર રૂા.૨૨૦૦ અને ઓનર્સ કોર્સમાં રૂા.૫૦૦૦ જેટલો ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ફી વધારાનાં મુદ્દે એન.એસ.યુ.આઇ. દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ યુનિ. સત્તાવાળાઓ દ્વારા સકારાત્મક જવાબ ન આપતા આજે સાયન્સ ફેકલ્ટીનાં જી.એસ. નિતીનસીંગ બારડ અને ક્રૃપલ પટેલ સહિત વિદ્યાર્થી અગ્રણીઓ સાથે કોમર્સ ફેકલ્ટીને તાળા મારી ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિટ બિલ્ડીંગને તાળા માર્યા બાદ રજીસ્ટ્રારને બોલાવવામાં આવ્યા હતા અને ફી વધારા અંગે રજુઆત કરવામાં આવી હતી. બનાવને પગલે યુનિ. સિક્યુરીટી તથા સયાજીગંજ પોલીસ પણ દોડી આવી હતી. વિદ્યાર્થી અગ્રણીઓને સમજાવી તાળા ખોલાવ્યા હતા. આવનાર દિવસોમાં ફી વધારો પરત ખેચવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને પુરતી સુવિધા પુરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાને ચીમકી ઉચ્ચારી હતી.