(એજન્સી) તા.ર૬
ઉત્તરપ્રદેશના બરેલીમાં તલાક-એ-તફવીઝનો ઉપયોગ કરતાં બે મહિલાઓએ તેમના પતિને તલાક આપી દીધા છે. રવિવારે નિશા હામિદે બે સાક્ષીઓ સામે બરેલીની કોર્ટમાં પોતાના પતિ જાવેદ અન્સારીને તલાક આપી દીધા. નિશા હામિદે તેમના ૧૩ વર્ષના લગ્ન જીવનથી તલાક આપીને મુક્તિ મેળવી લીધી છે. તલાક અપાવનારા વકીલે કહ્યું કે નિશા સાથે સાસરિયામાં ખરાબ વલણ અપનાવાતું હતું. જેનાથી કંટાળીને તેણે કેસ નોંધાવી દીધો હતો. નિશાએ જણાવ્યું કે જાવેદ ન તો તેને તલાક આપી રહ્યો હતો ન તો તેની સાથે સમાધાન કરવા માગતો હતો. તે તેનું જીવન નર્ક બનાવી દેવાની ધમકી આપતો હતો. આ બધા કારણોને લીધે તેણે કોર્ટમાં પોતાના અધિકારોનો ઉપયોગ કરવો પડ્યો. તે ઉપરાંત એક અન્ય મામલો બરેલી જિલ્લાના દેવરનિયા પોલીસમથકના એક ગામનો છે. અહીં યાસમીન નામની મહિલાએ તલાક-એ-તફવીઝનો ઉપયોગ કરીને તેના પતિ અરબાઝથી છૂટી થઈ હતી. બંનેના લગ્ન ૨૦૧૪માં થયા હતા. યાસમીન કહે છે કે અરબાઝે તેનું ૨૦૧૪માં અપહરણ કરી લીધું હતું તેના બાદ બંને પરિવારોએ સંમતિ આપી બંનેના લગ્ન કરાવ્યા હતા. યાસમીનને દહેજ માટે હેરાન કરવામાં આવતી હતી.

શું છે તલાક-એ-તફવીઝ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય મૌલવી ખાલિદ રશીદ ફિરંગી મહલીએ જણાવ્યું કે તલાક-એ-તફવીઝ એક શરઇ વ્યવસ્થા છે જેમાં પત્નીને તલાકનો અધિકાર અપાય છે. નિકાહના સમયે નિકાહનામામાં તેને દાખલ કરાય છે જે મૌલવીની જાણકારીમાં હોય છે. એવું થતાં બીવી તેના પતિથી હેરાન થવાની સ્થિતિમાં તેને તલાક આપી શકે છે. તેના પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મૌલવી ખાલિદ કહે છે કે બોર્ડના નિકાહનામાના મોડલમાં તલાક-એ-તફવીઝ પહેલાથી જ સામેલ છે પરંતુ આ કોલમને બંનેની સંમતિથી ભરવામાં આવે છે. દેવબંધના મૌલવીઓ પણ તેનાથી સંમત છે પરંતુ મુફ્તીઓ તેના પર માને છે કે તલાક-એ-તફવીઝના માધ્યમથી પુરુષોને તલાક આપવા અને મહિલાઓને તલાક આપવાનો અધિકાર છે.