ઈડર, તા.૧૦
વડાલી ખાતે બે વિધર્મી પાત્રોએ લગ્ન કરતા હિન્દુ સંગઠનોએ ભારે દેકારો મચાવી અંબાજી હાઈવે પર ચક્કાજામ તથા લઘુમતી સમાજની ચાર દુકાનોમાં તોડફોડ કરી લૂંટફાટ ચલાવતા તંગદિલી વ્યાપી ગઈ હતી જ્યારે આ બંને વિધર્મી પાત્રોઓ મંઉ ગ્રા.પં.માં લગ્નની નોંધણી કરાવી હતી. જેમાં રાજકીય દબાણ તથા નાણાકીય લાલચમાં આવી તલાટીએ લગ્ન રજિસ્ટરમાં આ પાત્રોએ કરાવેલ નોંધણીમાં વાઈટનર લગાવી ચેડાં કર્યાનું બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ‘ગુજરાત ટુડે’માં આ લગ્નને ગેરકાયદેસર બતાવતા તલાટી પર રાજકીય દબાણ આપી આ લગ્નની નોંધણીનો ઈન્કાર કરાયો હોવાના અહેવાલો છપાયા હતા જે અક્ષરશઃ સાચા પડ્યા છે.
મુસ્લિમ યુવક અને જૈન યુવતીએ મંઉ ગ્રામપંચાયતમાં લગ્ન રજિસ્ટરમાં પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. જે અંગે વોટ્‌સએપ પર આ વિધર્મી પાત્રોના લગ્નના સમાચાર વાયરલ થતા કટ્ટરવાદી તત્ત્વોના પેટમાં તેલ રેડાયું હતું અને તોફાન મચાવી મુસ્લિમોની માલ મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. બીજી તરફ મુસ્લિમોએ ભારે સંયમ દાખવી આગેવાનોએ ભેગા થઈ ઉક્ત યુવતીને પરિવારજનોને પાછી સોંપવા ખાતરી આપી હતી. દરમિયાન બંને યુવક યુવતીને મુંબઈથી પકડી પોલીસ વડાલી લઈ આવી હતી. જેમાં યુવતીને તેના પરિવારજનોને સોંપાઈ હતી. જ્યારે યુવકને અજ્ઞાત સ્થળે મોકલી દેવાયો છે. દરમિયાન ઉક્ત આ બંને વિધર્મી પાત્રોના લગ્ન બાબતે મંઉ ગ્રા.પં.ના તલાટી દ્વારા બંનેની લગ્નની નોંધણી કરાઈ હોવાનો ઈન્કાર કરાયો હતો. જો કે તલાટીએ લગ્ન નોંધણી ક્રમાંક ૪૦માં પ્રેમી યુગલની નોંધણીના સ્થાને વાઈટનર લગાડી ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો .આ કૃત્ય કોના ઈશારે કરાયું ? તેની તપાસ કરાશે ખરી ? આમ આ પ્રકરણમાં તલાટીની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. આ ઘટનાની જાણ ભિલોડા પોલીસમાં કરાતા ભિલોડા પોલીસે તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશો આપ્યા છે. તલાટીએ નાણાકીય લાલચમાં આવી રજિસ્ટરમાં ચેડાં કર્યાનું પ્રથમ દૃષ્ટિએ જણાઈ રહ્યું છે.

પોતાની મરજીથી યુવક સાથે
ગઈ હોવાનો યુવતીનો એકરાર

હિંમતનગર, તા.૧૦
વડાલી ખાતે વિધર્મી પાત્રો લગ્ન નોંધણી રજિસ્ટર કરાવ્યા બાદ અન્યત્ર જતા રહ્યા હતા. જેઓને પોલીસે મુંબઈથી ઝડપી ગતરાત્રે હિંમતનગર લઈ આવી હતી. જેમાં યુવતીએ પોતાની મરજીથી યુવક સાથે ગઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને સંમતિથી પરિવારજનોની હાજરીમાં તેણીના મામાને સોંપવામાં આવી હતી. ત્યારબાદ તરત જ આ યુવતીને તેના મામા મુંબઈ લઈ ગયા છે. ભાગી ગયેલ યુવક-યુવતીને એલસીબી હિંમતનગર ખાતે લઈ આવી હતી. જેઓના મહિલા પોલીસ, એસઓજી અને વડાલી પી.એસ.આઈની હાજરીમાં તેમના નિવેદન લેવાયા હતા. જેમાં યુવતીએ કહ્યું હતું કે, હું જે યુવક સાથે ભાગી ગઈ હતી તેમાં તેણીએ જ યુવકનો સંપર્ક કર્યો હતો અને મારી મરજીથી ગઈ હતી જ્યારે મુસ્લિમ યુવકે જણાવ્યું હતું કે યુવતીએ મારો સંપર્ક કર્યા બાદ અમે બંનેએ ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં યુવકનો તેના પરિવારજનોને કબજો સોંપાતા તેને અન્યત્ર અજ્ઞાત સ્થળે મોકલી દેવાયો હતો. જ્યારે બીજી તરફ ત્રણ દિવસથી બંધ વડાલીના બજારો આજરોજ ધમધમી ઉઠ્યા હતા. જો કે પોલીસે બંદોબસ્ત ચાલુ રાખ્યો છે.