(એજન્સી) કાબૂલ, તા.રર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન માટે નવી નીતિની જાહેરાત કરી છે. આ નીતિ અંતર્ગત અમેરિકાના હજારો સૈનિકોને અફઘાનિસ્તાન મોકલવાનો સમાવેશ થાય છે. અમેરિકાની નીતિ ત્યારબાદ તાલિબાને જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા માટે અફઘાનિસ્તાનને કબ્રસ્તાન બનાવી દેવામાં આવશે. તાલિબાનના પ્રવક્તા જબિઉલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી સેના પાછી નહીં ખેચે તો ટૂંકમાં અફઘાનિસ્તાન આ મહાશક્તિ માટે ર૧મી સદીનું કબ્રસ્તાન બની જશે. અમેરિકાએ યુદ્ધ ચાલુ રાખવાને બદલે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના અંગે વિચારણા કરવી જોઈએ. મુજાહિદે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી અમારી ભૂમિ પર એક પણ અમેરિકી સૈનિક બચેલો હશે અને અમારી પર યુદ્ધનું દબાણ કરવામાં આવશે ત્યાં સુધી અમે જિહાદ ચાલુ રાખીશું. ટ્રમ્પ લાંબા સમયથી અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો પાછા બોલાવી લેવાની હિમાયત કરતા હતા. પરંતુ અફઘાનિસ્તાન અંગે જારી કરાયેલી વ્યૂહરચનામાં તેમણે જણાવ્યું કે જો સેના પાછી ખેંચી લેવાશે તો આતંકવાદી પ્રવૃત્તિઓને વેગ સાંપડશે. અમેરિકા અફઘાનિસ્તાનમાં વધુ ૩૯૦૦ સૈનિકો મોકલવાની તૈયારીમાં છે.