(એજન્સી) કાબુલ,તા.૨૮
અફઘાનિસ્તાનના દક્ષિણી હેલમંડ પ્રાંતના નાવા જિલ્લામાં થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૧૩ લોકોનાં મોત થયા હતા જ્યારે અન્ય ૧૮ લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર નાવા જિલ્લાના ડોપુલ વિસ્તારમાં એક આત્મઘાતી હુમલાખોરે એક હથિયારબંધ વાહન સામે વિસ્ફોટ કર્યો. ગવર્નર ઉમર જવાકના પ્રવક્તાના હવાલે સૂત્રોએ જણાવ્યું કે વિસ્ફોટમાં ૧૮ નાગરિકો અને સૈન્ય કર્મચારી ઘાયલ થયા હતા. તાલિબાને આ હુમલાની જવાબદારી લીધી છેે. હેલમંડના ગવર્નર ઉમર જવારે જણાવ્યું કે અફઘાન નેશનલ આર્મીનો કાફલો હેલમંડના નાવા જિલ્લાના એક નાનકડા બજારમાંથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. ૧૯ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાલિબાને એક પત્રકારને સંદેશ મોકલીને આ હુમલાની જવાબદારી લીધી હતી. તાજેતરમાં પણ હેલમંડના જ લશ્કર ગાહમાં પોલીસ હેડક્વાર્ટર પર કરવામાં આવેલા આત્મઘાતી વિસ્ફોટમાં પાંચ લોકોનાં મોત થયા હતા અને બાળકો સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. આતંકવાદની વિરુદ્ધની લડાઇમાં અમેરિકી સૈનિક અને વિદેશી સેનાઓ અફઘાનિસ્તાની દળોની મદદ કરતી રહી છે. હાલ અહીં ૮૪૦૦ અમેરિકી સૈનિક અને ૫ હજાર નાટો સૈનિક છે. અનેક આતંકી સંગઠનોએ અમેરિકી સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેનંુ પરિણામ ભોગવવાની ધમકી પણ આપી હતી. ૨ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં પણ એક મસ્જિદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં ૨૯ લોકોનાં મોત થયા હતા. ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં થયેલો આ ત્રીજો મોટો આતંકી હુમલો છે.