(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. ર૮
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે ટોલનાકા પર ટોલટેક્ષ ભર્યા વગર ભાગી છૂટેલ ટ્રકનો પીછો કરતા ઠેકેદારની લાશ ઘ્રૂમઠ નજીક મળતા પોલીસે શંકાના આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ હત્યા છે કે દુર્ઘટના ? તે પોલીસ માટે તપાસનો વિષય છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા અંગે અવાર-નવાર દુર્ઘટનાઓ બનતી રહે છે. ત્યારે ધ્રાંગધ્રા-માલવણ ચોકડી ઉપરના ટોલનાકા પર ટ્રક ટોલટેક્ષ ભર્યા વગર જતી રહેતા ઠેકેદાર (જત યુવાન) દ્વારા તેનો પીછો કરી ઘ્રૂમઠ પાસે રોકવાનો પ્રયત્ન કરવામાં આવતા ટ્રક ડ્રાઈવરે ઠેકેદારની ગાડી સાથે ટ્રક અથડાવી બોલચાલી કરતા મામલો ગરમાયો હોવાનું મનાય છે. ત્યારબાદ કદાચ ટ્રકડ્રાઈવર દ્વારા ઠેકેદારની કરપીણ હત્યા કરી, ડેડ બોડી નાખી દઈ પ્લાયન થઈ જવાની ઘટના બનવા પામેલ છે. ત્યારે આ જત યુવાનની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ ટ્રકચાલક દ્વારા કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે પોલીસતંત્રને જાણ કરતા પોલીસતંત્ર દ્વારા પણ મૃતદેહને આઠ-આઠ કલાક સુધી રઝળાવતા જત સમાજ અને પરિવારમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અગાઉ પણ પોલીસ સ્ટેશન પાસે તેમજ લગ્નના ફુલેકામાં ફાયરિંગની ઘટના બની હતી. જ્યારે ધ્રાંગધ્રા-મલવણ હાઈવે ઉપરના ટોલનાકા પર અવારનવાર ટોલટેક્ષ ઉઘરાવવા બાબતે માથાકૂટ થતી રહે છે. ત્યારે આ હત્યા છે કે, અકસ્માત કે પછી જાણભેદુ દ્વારા રચવામાં આવેલ કાવતરૂં છે ? વગેરે શંકાના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે.
ટોલટેક્ષ ભર્યા વિના ભાગેલ ટ્રકચાલકનું કૃત્ય ? : ઠેકેદાર યુવાનનું મોત

Recent Comments