(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૭
શહેરના મંગળબજારના ખંડણી ખોર પંડ્યા બ્રધર્સ બંટી પંડ્યા અને ચિરાગ પંડ્યાએ ગુરૂવારે રાત્રે જયુબિલીબાગ પાસે મયંક ટેલરની ગુપ્તી અને તલવારના ૮ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. આ પહેલાં મંગળબજાર અને નવાબજારમાં પંડ્યા બ્રધર્સ વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા હતા. જો કે, પંડ્યા બ્રધર્સનો ત્રાસ વધી જતાં મયંક ટેલરે વેપારીઓ પાસેથી પ્રોટેકશન મની તરીકે રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. જેને કારણે મયંક ટેલરની હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, મયંક ટેલરે પંડ્યા બ્રધર્સને ઉભા કર્યા હતા અને તેઓએ જ મયંકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના જયુબિલીબાગ પાસે ગુરૂવારે રાત્રે મયંક અતુલ ટેલર (રહે.શ્રેયસાધક હોલની સામે, બાજવાડા) નામના યુવાનને આંતરીને પંડ્યા બ્રધર્સે સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા, ચિરાગ અશોક પંડ્યા (બંને રહે. વિસુધા એપાર્ટમેન્ટ, કલામંદિરનો ખાંચો) તેના માથા, હાથ અને પગના ભાગે આઠ જેટલા ગુપ્તી અને તલવારના ઘા ઝીંકીને ફરાર થઇ ગયા હતા. લોહીમાં લથપથ હાલતમાં મયંક રોડ પર ઢળી પડ્યો હતો. જેથી લોકટોળા ભેગા થઇ ગયા હતા. બેભાન બનેલા મયંકને તરત સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. સિટી પોલીસે આ મામલે ખુનનો ગુનો નોંધી પંડ્યા બ્રધર્સની શોધખોળ હાથ ધરી છે.નામચીન પંડ્યા બંધુઓ સામે મંગળબજારના વેપારીઓ પાસેથી ખંડણી માંગીને હુમલો કરવાની અનેક ફરિયાદ નોંધાઇ ચૂકી છે. મયંક ટેલર દ્વારા પંડ્યા બંધુઓથી જીવને જોખમ હોવા અંગેની ફરિયાદ મૃતકના કાકા રાજેશ રામચંદ્ર ટેલરે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.