Ahmedabad

AMTSની બસો અને બસ સ્ટેન્ડો પર ખુલ્લેઆમ પ્રદર્શિત કરાતી તમાકુ,પાન- મસાલાની જાહેરાતો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૮
રાજ્ય સરકારે તમાકુ, તમાકુની બનાવટો અને ગુટખા, પાન-મસાલાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ ઉપરાંત તેની જાહેરાત કરવા પર પ્રતિબંધ મુકેલો છે. ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી. બસોમાં પણ હાઈકોર્ટના ર૦૧૧ના હુકમ મુજબ ગુટખા, પાન-મસાલા કે તમાકુની જાહેરાત પ્રદર્શિત કરવાની બંધ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસની બસો પાછળ આજની તારીખે પણ આવી પ્રતિબંધિત જાહેરાતો છાપી કરોડોની કમાણી કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકાર દારૂ, જુગાર, તમાકુ, ગુટખા પર ભલે પ્રતિબંધ મૂકે પરંતુ તેમાંથી થતી આવક પર લાળ ટપકતી રાખે છે આથી પ્રતિબંધ મૂકી તેનો અમલ માત્ર કાગળ પર કરાતો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ગુટખા પર પ્રતિબંધ ભલે મુકાયો પરંતુ પાન-મસાલાના નામે ૦ ટકા નિકોટીન એવી લોભામણી જાહેરાતો કરી કંપનીઓ ઉલ્લુ બનાવી રહી છે અને પાન- મસાલાની સાથે તમાકુની અલગથી વેચાણ કરી અગાઉ કરતા તગડી કમાણી કરી રહી છે. અમદાવાદ શહેરમાં તમાકુ, સિગારેટનું વેચાણ કરતી ર૦ હજારથી વધુ દુકાનો હોવાનું એક સર્વેને ટાંકીને જમાલપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખે જણાવ્યું છે. તેમણે એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, આ દુકાનોમાંથી ૧ર ટકા જેટલી દુકાનો તો શાળા-કોલેજોની આસપાસ આવેલી છે. આમેય શાળા-કોલેજોની આસપાસ તમાકુ સિગારેટ કે નશાકારક વસ્તુનું વેચાણ કરવું ગુનો બને છે તેમ છતાં ખુલ્લેઆમ આવી વસ્તુઓ વેચાઈ રહી છે. ઉપરાંત ૧૮ વર્ષથી નાનીવયના બાળકોને તમાકુ કે તમાકુની બનાવટો વેચવી કાનૂની અપરાધ છે તેવા બોર્ડ દુકાનો પર લગાવવા ફરજિયાત છે પરંતુ મોટા ભાગની દુકાનો પર આવા બોર્ડ જોવા મળતા નથી. ભારત સરકારના જીએસઆર ૩૪પ (ઈ) જનરલ સ્ટેટયુટરી રૂલ્સ મુજબ આ નિયમ બનાવવામાં આવ્યો છે જેનો પણ અમલ કરવામાં આવતો નથી.
આ જ રીતે હોટપા એકટ-ર૦૦૩ની કલમ પ (૧) મુજબ તમાકુ, ગુટખા, પાન-મસાલા તેમજ વ્યસનને લગતી ચીજ વસ્તુઓ ેજેના નામ લાંગો (મુદ્રા) રંગ એક સરખો હોય તેવી કોઈપણ બ્રાન્ડની જાહેરાત ડાયરેકટ કે ઈનડાયરેકટ આપવી ગેરકાયદેસર છે તેનો ઉલ્લેખ કરી મ્યુનિસિપલ કાઉન્સિલર શાહનવાઝ શેખે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને પત્ર પાઠવી જણાવ્યું છે કે, એએમટીએસની બસો પાછળ, બસ સ્ટેન્ડમાં કે હોર્ડિંગ્સ દ્વારા આજે પણ ગુટખા અને વ્યસનને લગતી જાહેરાતો સીધી કે આડકતરી રીતે પ્રદર્શિત કરી કરોડો રૂપિયાની આવક કરવામાં આવી રહી છે જે ગેરકાયદેસર છે. આથી લોકોને લલચાવતી જાહેરાતો બંધ કરવી જોઈએ.

તમાકુ-ગુટખા, પાન-મસાલાની જાહેરાતો પ્રદર્શિત કરવી હાઈકોર્ટના હુકમ વિરૂદ્ધ

ગુજરાત હાઈકોર્ટમાં વર્ષ ર૦૧૧માં એક પિટિશન કરવામાં આવી હતી. જેમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોમાં (એસ.ટી.) કરવામાં આવતી તમાકુ, ગુટખા પાન મસાલાની જાહેરાતો બંધ કરવામાં આવે. જે સંદર્ભે હાઈકોર્ટે આવી જાહેરાતો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ પણ મુકયો છે. આ જ નિયમ એએમટીએસને પણ લાગુ પડી શકે. આથી એએમટીએસ દ્વારા જે જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવી રહી છે તે ગેરકાયદેસર છે અને હાઈકોર્ટના ઓર્ડર વિરૂદ્ધ છે.