(એજન્સી) તા.રપ
મંગળવારે આયોજિત એક કેબિનેટ બેઠકમાં સઉદી અરબના રાજા સલમાને ઇરાકના વડાપ્રધાન હૈદર અલ અબાદી સાથે સઉદી-ઇરાકી કોઓર્ડિશેન કાઉન્સિલની પ્રથમ બેઠકનું અનાવરણ કર્યું હતું. આ બેઠકમાં સઉદી અરબના રાજા સલમાને કહ્યું કે બંને દેશોએ આ નવી કાઉન્સિલની મદદથી બંને દેશોના હિતોને સાધવા અને ખતરનાક પડકારોને સંયુક્ત રીતે ઝીલવા એકજૂથ બનવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ઇરાકમાં એકતા અને સ્થિરતા લાવવા માટે સઉદી અરબે સંપૂર્ણ ટેકો આપવાની જરુર છે. જોકે સઉદી કેબિનેટે બંને દેશના ટોચના વડાઓ તરફથી જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનનું સ્વાગત કર્યું હતું. તેમાં બંને દેશો એકબીજો વેપાર તથા આર્થિક મુદ્દાઓ પર મદદ કરવા સહમત થયા હતા. બંને દેશોએ એકબીજા દેશો વચ્ચેની સરહદો ખોલી દેવા, બંને દેશોના બંદરોનો વિકાસ કરવા તથા માર્ગોના વિકાસ એવા મહત્વના કરારો ઉપર પણ સહમતિ આપી હસ્તાક્ષર કર્યા હતા. સઉદીના રાજા કિંગ સલમાને આ ટૂંકી માહિતીને આલેખતો એક પત્ર અલ્જેરિયન રાષ્ટ્રપતિ અબ્દુલ અજીજ બૌતફિલ્કા, ઈરાકી રાષ્ટ્રપતિ ફૌદ માસુમ અને અમેરિકી વિદેશમંત્રી રેક્સ ટિલરસનને પણ મોકલાવ્યો હતો. સાંસ્કૃતિક અને માહિતી મંત્રાલયના મંત્રી અવ્વાદ અલ અવ્વાદે જણાવ્યું કે અમારું કેબિનેટ સઉદીના રાજાનું સન્માન કરે છે અને અમે તેમના નિવેદનનું પાલન કરીશું. કેબિનેટે રાજા સલમાન દ્વારા કરવામાં આવેલા ભવિષ્યના રોકાણની પરિયોજનાઓનું પણ સ્વાગત કર્યુ હતું. મંગળવારે જ તેની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રિયાધમાં બિઝનેસ, ઇનોવેશન, ટેકનોલોજી અને રોકાણ જેવા ક્ષેત્રોને વિકસિત કરવા માટે સઉદીના રાજાએ નવી પરિયોજનાઓ લાગુ કરવાની વાત કહી હતી. ભવિષ્યના આ પ્રોજેક્ટોની કમાન રાજકુમાર મોહમ્મદ બિન સલમાનને સોંપવામાં આવી છે.