(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાયણના પર્વે પતંગની મજા માણવા સાથે વિપક્ષે કોંગ્રેસ પર નિશાન તાકવાની તક જવા દીધી નહતી. લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ સહિતના પક્ષોના ગઠબંધન મુદ્દે આકરા પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના પતંગના પેચમાં ગઠબંધનનો પતંગ કપાઈ જશે. ભાજપની વચ્ચે આવતી ગઠબંધનની તમામ નાની-મોટી ગાંઠો કપાઈ જવાની છે.
ઉત્તરાયણ નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના પોળ વિસ્તાર એવા ખાડિયામાં પતંગ ઉડાડવાની મજા માણી હતી. આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપનો પતંગ ફુલ-ફલેઝ ઉડી રહ્યો છે, તેને કોઈ કાપી શકશે નહીં ર૦૧૯માં પણ ભાજપનો જ પતંગ ચગશે. તેવો આશાવાદ લોકસભા ચૂંટણી સંદર્ભે વ્યકત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ભાજપની વચ્ચે આવતી ગઠબંધનની બધી પતંગો કપાઈ જશે. અબકી બાર ફિરશે મોદી સરકાર જ આવશે અને તેમની આગેવાનીમાં ભાજપનો પતંગ ઊંચા આસમાને ઉડશે. તેમ વિશ્વાસપૂર્વક તેમણે જણાવ્યું હતું કે, વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને ઉખેડી નાંખશે અને ર૬માંથી ર૬ બેઠકો પર જીત હાંસલ કરશે.
આ ઉપરાંત તેમણે ૧૦ ટકા અનામત અંગે વાત કરતા જણાવ્યું કે, વર્ષોથી હક માટે લડત લડી રહેલા સવર્ણોનો હવે સર્વાનુમતે અનામત મળી છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા બિન અનામત વર્ગ માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરતા તેનો ગુજરાતમાં તા. ૧૪ જાન્યુઆરીને આજથી અમલ થશે. આ સાથે ૧૦ ટકા અનામતનો લાભ આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. સોમવારથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અને સરકારી નોકરી મેળવવા માટે રાજ્યના દોઢ કરોડ એટલે કે ગુજરાતની વસ્તીના આશરે ૨૮ ટકા બિન અનામત વર્ગને ૧૦ ટકા અનામતનો લાભ મળશે.
કઇ પરીક્ષામાં આ લાગૂ થશે તેવી વાતમાં તેમણે કહ્યું કે, ‘જેમની ભરતી અંગેની પરીક્ષાની પ્રક્રિયા એટલે કે પ્રી-પરીક્ષા, ઓરલ વગેરે થઇ ગયું હશે તેમાં જુના કાયદા પ્રમાણે પસંદગી કરાશે. જ્યાં ભરતી માટે નવી પરીક્ષાની જાહેરાત થઇ છે તેની ફરીથી જાહેરાત થશે અને તેમને ૧૦ ટકા અનામત આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ ઉત્તરાયણના દિવસે ખાડિયામાં પતંગ ઉડાવી હતી. જો કે તેમનો પતંગ કપાઈ ગયો હતો. જ્યારે કે રાજકીય આકાશમાં તેમનો પતંગ ઊંચો ઉડી રહ્યો છે. મેયર બીજલ પટેલ તથા મુખ્યમંત્રીની પત્નીએ અંજલીબેન પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ મુખ્યમંત્રીનું ઢોલ-નગારા વગાડીને ઉસ્માભેર સ્વાગત કર્યું હતું.