(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
(૧) નિર્મલા સીતારમણ (નાણામંત્રી) :


નાણામંત્રી નિર્મલા સીતારમણ જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીની (જેએનયુ) એમએ (અર્થશાસ્ત્ર)ની ડિગ્રી ધરાવે છે. તેઓ તામિલનાડુના વતની છે.
તેઓ એક બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. જેએનયુમાંથી રાજકારણની શરૂઆત કરી. ફ્રિથીંકર સોસાયટી જૂથની રચના કરી. તેઓ ત્યારબાદ પતિ પ્રભાકર પટકલા સાથે લંડન ગયા. પતિ પણ જેએનયુના વિદ્યાર્થી હતા. લંડનમાં તેઓ હોમડેકોર સ્ટોરમાં સેલ્સગલ તરીકે જોડાયા. તેઓ ૧૯૯૧માં ભારત પરત ફર્યા. તેઓ ભાજપના નેતા સુષ્મા સ્વરાજને મળ્યા અને ર૦૦૩થી ર૦૦પ સુધી મહિલા પંચના સભ્ય તરીકે નિમાયા. તેઓ ર૦૦૬માં ભાજપમાં જોડાયા અને પ્રવક્તા બન્યા.
ર૦૧૪માં મોદી સરકારમાં નાણા રાજ્યમંત્રી બન્યા બાદમાં રક્ષામંત્રાલય સંભાળ્યું. પુલવામા હુમલા બાદ બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો પર ભારતીય હવાઈ દળના હુમલા બાદ તેઓ પ્રકાશમાં આવ્યા. તેઓ ર૦૧૬થી કર્ણાટકમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ત્યારબાદ ર૦૧૯માં મોદી સરકારમાં નાણામંત્રી તરીકે નિમાયા.

(ર) રાજનાથસિંગ (સંરક્ષણમંત્રી) :


રાજનાથસિંગ અગાઉ મોદી સરકારમાં ગૃહમંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં કૃષિમંત્રી પણ હતા. તેઓ ભાજપના પ્રમુખપદે પણ સેવાઓ આપી ચૂક્યા છે. તેમજ યુપીના મુખ્યમંત્રી પદે પણ સેવાઓ આપી હતી. તેઓએ ગોરખપુર યુનિવર્સિટીમાં ફિઝીક્સની ડિગ્રી સાથે એમએસસી કર્યું છે.
ફિઝીક્સના લેકચરર પણ હતા. ૧૯૭૭માં જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ આરએસએસ સાથે પણ જોડાયેલા છે.

(૩) પિયુષ ગોયેલ (રેલવે, વાણિજ્ય-ઉદ્યોગ) :


મોદી સરકારના મંત્રી પિયુષ ગોયલ અગાઉ પણ મોદી સરકારમાં રેલવે, કોલસા અને ખાણ-નાણાંમંત્રાલય સંભાળી ચૂક્યા છે તેઓ મુંબઈથી આવે છે.
તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. દેશભરની પરીક્ષામાં તેઓ બીજા ક્રમે આવ્યા હતા. તેઓ ભાજપની વિવિધ કમિટીના સભ્ય રહ્યા છે અને મોદીના વિશ્વાસુ મનાય છે.

(૪) સદાનંદ ગોવડા (રસાયણો-ખાતર) :


કર્ણાટકના વતની સદાનંદ દેવગોવડા અગાઉ મોદી સરકારમાં મંત્રી હતા. તેઓ બેંગલોરમાંથી ચૂંટાયા છે. ૬૬ વર્ષની વયના સદાનંદ ગોવડા અગાઉ કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ૧૯૮૦માં તેમણે રાજકીય યાત્રા શરૂ કરી હતી અને ભાજપમાં જોડાયા હતા. કર્ણાટકમાં તેમના પ્રત્યે લોકોમાં બહુમાન છે.

(પ) રવિશંકર પ્રસાદ (કાનૂન-સંચારમંત્રી) :


બિહારની પટણા સાહેબ બેઠક પર શત્રુઘ્નસિંહાને હરાવી ચૂંટાઈ આવેલા રવિશંકર પ્રસાદ અગાઉ પણ મોદી સરકારમાં કાનૂનમંત્રી હતા. તેમણે સંચારમંત્રી તરીકે સ્પેકટ્રમની હરાજી ઓનલાઈન કરતાં સરકારને ૧.૧૦ લાખ કરોડની આવક થઈ હતી. ર૦૧૪માં બે મોબાઈલ ફેક્ટરી ભારતમાં હતી. આજે ર૦૧૯માં ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી વધુ મોબાઈલો ઉત્પાદન કરતો દેશ બન્યો છે.

(૬) સ્મૃતિ ઈરાની (મહિલા, બાળકલ્યાણ અને કપડાં મંત્રાલય) :


અમેઠીમાં રાહુલ ગાંધીને હરાઈ ચૂંટાઈ આવનાર સ્મૃતિ ઈરાનીને મોદી સરકારમાં મંત્રી પદ મળ્યું છે તેઓ અગાઉ પણ મંત્રી હતા. તેઓ બાળપણમાં આરએસએસના સભ્ય હતા. તેઓ મોડેલ, ટીવી કલાકાર અને નિર્માતા પણ છે. કયું કી સાંસ ભી કભી વહુથી સીરિયલમાં તેઓએ તુલસીનું પાત્ર ભજવ્યું હતું.

(૭) હરસીમરત કૌર બાદલ (ફૂડ પ્રોસેસિંગ) :


મોદી મંત્રીમંડળમાં અકાલી દળ બાદલનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ર૦૧૯માં ર૮ બિલિયન એફડીઆઈ ભારતમાં લાવવા ધારે છે. હરસીમરત કોર પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંગ બાદલના પત્ની છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંગ બાદલના પુત્રવધૂ છે. તેઓ દિલ્હીમાં જન્મ્યા હતા અને મોટા થયા. ટેક્સટાઈલ ડિઝાઈનનો કોર્સ કરેલ છે. તેમણે ભટીન્ડાથી તેમના દિયર મનપ્રિત બાદલને હરાવ્યા હતા. ર૦૦૯માં તેમણે મુખ્યમંત્રી અમરિન્દરસિંગના પુત્રને ભટીન્ડામાં હરાવ્યા હતા.

(૮) કિરણ રિજુજી (ખેલ મંત્રાલય) :


અરૂણાચલ પ્રદેશમાંથી ચૂંટાઈને આવેલા કિરણ રિજુજી અગાઉ મોદી સરકારમાં ગૃહરાજ્ય મંત્રી હતા. તેઓ વ્યવસાયે વકીલ છે. તેઓ મોદી મંત્રીમંડળમાં હાલમાં ખેલ અને યુવા મંત્રાલયનું ખાતું સંભાળી રહ્યા છે.

(૯) રામવિલાસ પાસવાન (નાગરિક પુરવઠામંત્રી) :


મોદી સરકારમાં અગાઉ પણ તેઓ નાગરિક પુરવઠા પ્રધાન હતા. તેનો લોકજનશક્તિપાર્ટીના પ્રમુખ છે. તેઓના પક્ષ એલજીપીએ ૬ બેઠકો જીતી હતી. એનડીએના દલિત ચહેરા છે. તેઓ યુપીએ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે. હાજીપુરમાં એકવાર પરાજ્ય પણ થયો હતો.

(૧૦) બાબુલ સુપ્રિયો (જાહેર સાહસો) :


મોદી સરકારમાં જાહેર સાહસોના મંત્રાલયના રાજ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળનાર બાબુલ સુપ્રિયો અગાઉ મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેઓ બોલિવૂડના પ્લેબેક સિંગર છે. તેમજ બેંકના કર્મચારી છે. બંગાળની આસનસોલ બેઠક પરથી તેઓ પુનઃ ચૂંટાઈ આવ્યા છે. કહોના પ્યાર હૈ સુપરહિટ ગીતના તેઓ ગાયક કલાકાર છે. ર૦૧૪થી ભાજપમાં પ્રવેશ કરી તેઓ રાજકારણમાં જોડાયા હતા. તેઓ વિવિધ ભાષાઓના જાણકાર છે. સુપ્રિયોના કારણે ભાજપ બંગાળમાં પ્રગતિ કરી શક્યો તેઓ ફૂટબોલના ચાહક છે.