(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વકીલાત કરનારા નેતાઓને નોટિસ પાઠવી છે. દેશના પ૦૦થી વધુ સાંસદ, ધારાસભ્યો અને નગરસેવકોને નોટિસનો એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે તેમ પૂછાયું છે કે વકીલાત પર રોક કેમ ન લગાવવી ?
બાર કાઉન્સિલે આ ગંભીર પ્રશ્ન પર વિચાર કરવા માટે એક નિષ્ણાંતોની સમિતિ બનાવી છે. જન પ્રતિનિધિઓનો જવાબ મળ્યા બાદ તે અંગે નવેસરથી માર્ગદર્શિકા બહાર પડાશે. નેતાઓ દ્વારા વકીલાત કરવા અંગેનો સવાલ વારંવાર પૂછાય છે. તે જોઈને બાર કાઉન્સિલે તેના પર સ્પષ્ટતા કરવા આ કદમ ઉઠાવ્યું છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની રર જાન્યુઆરીના રોજ મળનાર બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા વકીલાત કરવા અંગેનો અંતિમ નિર્ણય કરાશે.
બાર કાઉન્સિલ દ્વારા મનનકુમાર મિશ્રાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરાઈ છે. નોટિસ પાછળનું કારણ એ છે કે માન્યતા રદ કરવાની સ્થિતિમાં તેઓ આર્થિક વ્યવસ્થાના ઉલ્લંઘનની વાત ન કરે. બાર કાઉન્સિલ દ્વારા આવા નેતાઓ સામે પગલાં લેવાની સ્થિતિમાં કપિલ સિબ્બલ, અભિષેક મનુ સંઘવી, કેટીએસ તુલસી, ચિદમ્બરમ, ભૂપેન્દ્ર યાદવ, મિનાક્ષી લેખી જેવા દિગ્ગજ નેતાઓની વકીલાત ખતરામાં પડી શકે છે.