નવી દિલ્હી, તા. ૧૧
વડાપ્રધાન મોદીએ ગુજરાતની ચૂંટણીના પ્રચાર દરમિયાન પાકિસ્તાનને નિશાન બનાવતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આકરો જવાબ આપતાં કહ્યું છે કે, ભારતે તેની ચૂંટણીઓમાં પાકિસ્તાનને ઘસીટવાનું બંધ કરવું જોઇએ. રવિવારે પીએમ મોદીએ પાકિસ્તાનના રાજદૂત સોહેલ મહમૂદ સાથે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મુલાકાત સામે સવાલો ઉઠાવ્યા હતા. તેનો જવાબ આપતાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે જણાવ્યું હતું કે, ભારતે તેની ચૂંટણીઓમાં ચર્ચામાં પાકિસ્તાનને ઘસીટવાનું બંધ કરવું જોઇએ અને પોતાના બળે ચૂંટણી જીતવી જોઇએ નહીં કે ષડયંત્રો ઘડવા જોઇએ. તેમણે જણાવ્યું કે, આ ઘડી કાઢેલા આરોપો તદ્દન પાયાવિહોણા અને બેજવાબદાર છે. રવિવારે પાલનપુરમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીઓમાં દખલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, રવિવારે મીડિયા અહેવાલો આવ્યા હતા કે, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના ઘરે એક બેઠક યોજાઇ હતી જેમાં પાકિસ્તાનના રાજદૂત, પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી, ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સામેલ હતા. મોદીએ રેલીમાં આરોપ લગાવ્યો હતો કે, ગુજરાત ચૂંટણીમાં પાકિસ્તાન દખલ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મણિશંકરના ઘરે બેઠક કરી હતી અને બીજા જ દિવસે તેમણે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો. મોદીએ કહ્યું કે, તેમના ઘરે મુલાકાતમાં પાકિસ્તાનના અધિકારીએ અહમદ પટેલનો ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનાવવાને સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસે આ બેઠક અંગે ગુજરાતની જનતાને જણાવવું જોઇએ કે, તેઓ શું યોજના બનાવી રહ્યા હતા. તેમણે કહ્યું કે, શું તમને આવી ઘટનાઓ પર શંકા જતી નથી. આ એક ગંભીર મુદ્દો છે કારણ કે, બેઠક બાદ જ ગુજરાતના લોકો, પછાત જાતિઓ, ગરીબો અને મોદીનું અપમાન કરવામાં આવ્યું છે. મોદીએ કહ્યું કે, મણિશંકરના ઘરે આ લોકોએ ત્રણ કલાક સુધી બેઠક કરી હતી. તેમણે કહ્યું કે, એકતરફ પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ગુજરાત ચૂંટણીઓમાં દખલ કરી રહ્યા છે અને બીજી તરફ પાકિસ્તાનના લોકો મણિશંકરના ઘરે બેઠક કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બીજા તબક્કાનુું મતદાન ૧૪મી ડિસેમ્બરે થશે.
ગુજરાત ચૂંટણી મુદ્દે પાકિસ્તાન અમને સલાહ ન આપે : રવિશંકર પ્રસાદ
ગુજરાત ચૂંટણી મામલે સતત પાકિસ્તાનની દખલગીરીનો આરોપ લગાવાઇ રહ્યો છે ત્યારે પાકિસ્તાને ખુલાસો કર્યા બાદ ભારતે પણ તેનો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું છે કે, પાકિસ્તાન અમને સલાહ ન આપે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કહ્યું છે કે, ભારત તેની ચૂંટણીઓમાં અમારું નામ લેવાનું બંધ કરે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ભાજપના નેતા રવિશંકર પ્રસાદે પાકિસ્તાનને સલાહ ન આપવા કહ્યું છે. રવિશંકર પ્રસાદે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના ટિ્‌વટ પર જવાબ આપતાં કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બધા જાણે છે. અમે તેના નિવેદનની નિંદા કરીએ છીએ. પાલનપુરની રેલીમાં પીએમ મોદીએ પાકિસ્તાનના પૂર્વ ડાયરેક્ટર જનરલ સરદાર અરશદ રફીકની ફેસબૂક પોસ્ટને ટાંકી હતી જેમાં કહેવાયું હતું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનાવવા જોઇએ. આ પોસ્ટને ભારતીય મીડિયાએ સમાચારોમાં ચગાવી હતી. મહત્ત્વની વાત એ છે કે, એવું પહેલીવાર બન્યું નથી કે, ભાજપ તરફથી ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનું નામ લેવાયું હોય. આ પહેલાં આસામ ચંૂંટણીમાં પણ ભાજપે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે બિહારની ચૂંટણીમાં ભાજપે કહ્યું હતું કે જો અમે આ ચૂંટણી હારી જઇશંું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.