નવી દિલ્હી, તા. ૧૮
રાફેલ ફાઇટર જેટ ડીલ અંગે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના નિવેદન સામે કહ્યું હતું કે, તમારો બોસ તમને ચૂપ કરાવે તે શરમજનક બાબત છે. પોતાની ટિ્‌વટમાં તેમણે એણ પણ પૂછ્યું હતું કે, તમે મહેરબાની કરીને જણાવશો કે, રાફેલ જેટને કેટલી કિમતમાં ખરીદવામાં આવ્યા છે ? શું તમે સીસીએસની પરવાનગી લેવાનું યોગ્ય સમજ્યું નહોતું ? ભારત સરકારના ઉપક્રમ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી આ ડીલ છીનવીને સુરક્ષા ક્ષેત્રે કોઇ અનુભવ ન ધરાવતા ડબલ એ નામ ધરાવતા ઉદ્યોગપતિને કેમ સોંપી દેવાઇ ? રાહુલ ગાંધીએ આ દરમિયાન કેટલાક સવાલો કર્યા હતા જેમાં દરેક રાફેલ જેટની છેલ્લી કિંમત કેટલી છે, પેરિસમાં વિમાન ખરીદવાની જાહેરત કરતા પહેલા શંુ વડાપ્રધાને સીસીએસની પરવાનગી લીધી હતી, શા માટે વડાપ્રધાને હિંદુસ્તાન એરોનોટિક્સના અનુભવને અવગણી ડબલ એ નામ ધરાવતા અનુભવ વિનાના ઉદ્યોગપતિને આ ડીલ સોંપી દીધી. સીતારમણે શુક્રવારે કહ્યું હતું કે, રાફેલ સોદા અંગે આરોપો શરમજનક છે અને આ સોદો પારદર્શી પ્રક્રીયા અંતર્ગત થયો છે. સીતારમણે જણાવ્યું કે,૩૬ વિમાનનો સોદો સુરક્ષા અંગે કેબીનેટ સમિતીની મંજૂરી બાદ કરાયો છે. એરચીફ માર્શલે પણ આરોપોને ફગાવ્યા હતા.