(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
ગુજરાત સરકાર માટે હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ જ મુખ્ય કાર્યક્રમ હોઈ સમગ્ર તંત્ર તેના સફળ આયોજનમાં લાગી પડેલ છે. ત્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. બાપુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી મોદીએ માર્કેટિંગ માટે બનાવ્યું હોવાનું જણાવતાં કહ્યું કે, જેનો ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અર્થ શું ? તેવો બાપુએ સવાલ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મેઈડ ઈન ચાઈના છે, તમે કોને મૂર્ખ બનાવો છો. ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ત્યારે સમગ્ર દેશ સહિત દુનિયાની નજરો ગુજરાત પર મંડાઈ છે. પ્રતિમાને લઇ વિરોધ પક્ષ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો પણ કરાયા હતા પરંતુ હવે ભાજપ સામે તેમના પક્ષમાં રહી ચૂકેલા કદાવર નેતા શંકરસિંહે આ મુદ્દાને લઇને પોતાનું નિવેદન આપ્યું છે. આ નિવેદનના કારણે રાજ્યમાં ભાજપ વિરોધી તમામ પક્ષોએ બાયો ચઢાવી છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપનું નામ લીધા વિના એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે મારે તેમને પૂછવું છે કે, મારે એમને પુછવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અર્થ શું છે. ભાજપ સરદારની પ્રતિમા બનાવી શું સાબિત કરવા માંગે છે. પહેલા સરકાર દેશી રાજવી અને રજવાડાઓનું સન્માન કરે. ભાવનગરના પહેલા રાજવીએ પોતાનું રજવાડું આપ્યું હતું તે રાજવીનું સન્માન કરવું જોઇએ, પરંતુ હાલ એવું કશું દેખાતું જ નથી. માત્ર વિકાસ અને સરદારના નામે માર્કેટિંગ કરવામાં આવી રહ્યું છે. ભાજપ હાલ સરદારના નામે જે રીતે મોટે-મોટેથી તેમના ગુણગાન ગાઇ રહ્યું છે, તે બધુ બોગસ છે. અગાઉ ભાજપ પોતાના ભવિષ્યમાં જઇને જોવે કે જે સરદારના સંસ્કારો અને વિચારોની વાત હાલ કરી રહ્યું છે તે અમદાવાદ એરપોર્ટના નામકરણ વખતે સરદાર સાહેબનો કેટલો વિરોધ કર્યો હતો. ભાજપની મહિલા કાર્યકરોએ અમદાવાદ એરપોર્ટના નામકરણમાં સરદારનો મોટો વિરોધ કર્યો હતો. મોદીજી તમે કોને મૂર્ખ બનાવો છો, સ્ટેચ્યુ ઓફ યુનિટી તો મેડ ઇન ચાઇના છે, તમે આ સ્ટેચ્યુથી કોને ખુશ કરવા માંગો છો. સરદાર સાહેબને આજે પણ અન્યાય થઇ રહ્યો છે. તેમ બાપુએ વધુમાં જણાવ્યું હતું. ભાજપ સરદારની વિશાળ પ્રતિમા બનાવીને રાજ્યમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનને ઠંડું પાડવા માંગે છે. પરંતુ મારો તેમને એક સવાલ છે કે તમે સરદારનો ઉપયોગ કરી શું પાટીદાર સમાજને ખુશ કરવા માગો છો? પહેલા આવા નાટક કર્યા વગર પાટીદાર સમાજના જે છોકરા જેલમાં બંધ છે એમને મુક્ત કરો.. સરદાર કેમ ગમે છે? પાટીદાર સમાજ નારાજ છે એટલે? પરંતુ આ સમાજ બધું સમજી ગયો છે. સરદાર સાહેબે ક્યારેય દેશના વડાપ્રધાન બનવાનું કહ્યું નહોતું. માત્ર જુઠ્ઠાણા ફેલાવીને સરકાર લોકોની વોટબેંક મેળવવા માંગે છે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું.