(એજન્સી) તા.૩૦
તમારા પતિ દલિત છે, આથી તે કોઈ પરંપરાનું પાલન કરતા નથી પરંતુ તમે તો બ્રાહ્મણ છો, તો તમે દાગીના કેમ નથી પહેરતાં ? સિંદૂર કેમ નથી લગાવતા ? તમે એક પારંપરિક પત્ની જેવા કપડાં કેમ નથી પહેરતાં ? શું દીકરી પણ પિતા જેવી જ હોવી જોઈએ ? ભીમા-કોરેગાંવ હિંસામાં નજરકેદ કરવામાં આવેલા વરવરા રાવની પુત્રી પવનને પુણે પોલીસે ઉપરોક્ત પ્રશ્નો પૂછ્યા હતા. કે. પવન પ્રોફેસર કે. સત્યનારાયણની પત્ની છે. કે. સત્યનારાયણ હૈદરાબાદની ઈંગ્લિશ એન્ડ ફોરેન લેન્ગ્વેજ યુનિવર્સિટીના કલ્ચરલ સ્ટડીઝ વિભાગમાં અધ્યક્ષ છે. આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતા પ્રોફેસર કે. નારાયણે કહ્યું હતું કે, પોલીસ તપાસ ખૂબ જ માનસિક તણાવ આપવાવાળી અને અપમાનજનક હતી. તેમણે કહ્યું કે, પોલીસે તેમને ઉશ્કેરણીજનક અને મુર્ખામીભર્યા પ્રશ્નો પૂછ્યા હતા. કે. નારાયણે કહ્યું હતું કે, પોલીસે મને પ્રશ્ન કર્યો કે, તમારા ઘરમાં આટલા બધા પુસ્તકો શા માટે છે ? શું તમે બધા પુસ્તકો વાંચો છો ? તમે આટલા બધા પુસ્તકો શા માટે ખરીદો છો ? તમે આટલા બધા પુસ્તકો શા માટે વાંચો છો ? તમારા ઘરમાં જ્યોતિબા ફૂલે અને બાબા આંબેડકરનો ફોટો કેમ છે ? તમે માઓ અને માર્કસ વિશેના પુસ્તકો કેમ વાંચો છો ? તમારા ઘરમાં દેવી-દેવતાઓના ફોટો કેમ નથી ?