(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે બિહાર, તમિલનાડુ, આસામ, મેઘાલય અને અરૂણાચલપ્રદેશના નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. અરૂણાચલ પ્રદેશમાં બી.ડી.મિશ્રા,તમિલનાડૂમાં બનવારીલાલ પુરોહિત, બિહારમાં સત્યપાલ મલિક, આસામમાં જગદીશ મુખી, અને મેઘાલયમાં ગંગા પ્રસાદની રાજ્યપાલ પદે નિમણૂક કરવામાં આવી છે. તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન-નિકોબાર ટાપુના લેફ્ટન્નટ ગર્વનરમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.
આવો જાણીએ નવા રાજ્યપાલ વિશે :
૧. બનવારીલાલ પુરોહિત


મહારાષ્ટ્રના વિદારભામાં સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રો સાથે સંકળાયેલો પુરોહિતે ૧૯૭૭થી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. તેમણે નાગપુર સીટ પરથી ૧૯૭૮માં પ્રથમ વખત મહારાષ્ટ્રમાં વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો. ૧૯૮૪ અને ૧૯૮૯માં પુરોહિત લોકસભાની નાગપુર બેઠકમાંથી ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૯૬માં લોકસભામાં પુનઃ ચૂંટાઈ આવ્યા હતા. મહાત્મા ગાંધીના શિષ્ય ગોપાલ ક્રિષ્ના ગોખલે દ્વારા અંગ્રેજી દૈનિક ‘ધ હિતવાડા’ને જીવિત રાખવાનો શ્રેય પણ પુરોહિતના ફાળે જાય છે. ૧૭ ઓગસ્ટ ર૦૧૬માં તેઓની નિમણૂક આસામના રાજ્યપાલ પદે થઈ હતી.
ર. ગંગાપ્રસાદ


ગંગાપ્રસાદ ૧૯૯૪માં બિહારમાં બિહાર વિધાન પરિષદના સભ્ય પદે પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ૧૮ વર્ષ સુધી વિધાન પરિષદનું સભ્યપદ સંભાળ્યું છે. તેમણે ભાજપના નેતા તરીકે પણ સેવા આપી છે.
૩. એડમિરલ ડી.કે.જોષી


ઓગસ્ટ ર૦૧ર અને ફેબ્રુઆરી ર૦૧૪ દરમિયાન એડમિરલ દેવેન્દ્રકુમાર જોષી નૌસેનાના ચીફ રહી ચૂક્યા છે. નેશનલ ડિફેન્સ એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી જોષી ૧૯૭૪માં ભારતીય નૌસેનામાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા હતા. તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, યુદ્ધ સેવા મેડલ, નૌસેના મેડલ નવાજવામાં આવ્યા હતા.
૪. જગદીશ મુખી


૧ ડિસેમ્બર ૧૯૪રના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલ ડેરા ઘાઝીખાન ઓફ પંજાબના દાજલ ખાતે જગદીશ મુખીનો જન્મ થયો હતો. મુખી રપ જૂન ૧૯૭પના રોજથી રાજકારણમાં જોડાયા હતા. તેઓ જનકપુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. મુખીએ અંદમાન-નિકોબાર ટાપુના લેફ. ગવર્નર તરીકે પણ ફરજ બજાવી હતી.
પ. નિવૃત્ત બ્રિગેડિયર ડૉ.બી.ડી.મિશ્રા


ડૉ.બી.ડી.મિશ્રાએ ૩૧ જુલાઈ, ૧૯૯પના રોજ ભારતીય સેનાના બ્રિગેડીયર તરીકેની નિવૃત્તિ લીધી હતી. તેઓ એમએસજી કાઉન્ટર હાઈજેક ટાસ્ક ફોર્સના કમાન્ડર હતા. તેમણે ૧૯૯૩માં રાજાસાંસી એરફિલ્ડમાં હાઈજેક થયેલ ભારતીય એરલાઈન્સના તમામ ૧ર૪ મુસાફરો અને ક્રૂ સભ્યોને બચાવી લીધા હતા. તેમણે ચીન વિરૂદ્ધના ૧૯૬રના યુદ્ધમાં અને પાકિસ્તાન વિરૂદ્ધના ૧૯૭૧ના યુદ્ધમાં પણ લડાઈ લડી હતી.
૬. સત્યપાલ મલિક


૭૧ વર્ષીય સત્યપાલ મલિક સંસદીય બાબતો અને પ્રવાસનના કેન્દ્રીત રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ૧૯૮૯માં લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ખેડૂત અને સામાજિક કાર્યકર છે.