(એજન્સી) ચેન્નાઇ, તા.૨
તમિલનાડુમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઈરોડ જિલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. સ્થાનિત તંત્રના જણાવ્યા મુજબ ભવાની નદી બે કાંઠે થતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું એલર્ટ જારી કરીને તેમનું સ્થાળંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. દરમિયાન રાજ્યના મેટ્ટુપલાયમમાં સોમવારે ભારે વરસાદને પગલે દિવાલ ધસી પડતા મહિલાઓ સહિત ૧૭નાં મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બે દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો હોવાથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મેટ્ટુપલાયમમાં ચાર ઘરમાં રહેતા લોકો પર ખાનગી કમ્પાઉન્ડ વોલ પડતાં લોકો કાટમાળ નીચે દટાયા હતા. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતા છ જિલ્લામાં પૂરનું એલર્ટ આપ્યું છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારના લગભગ ૮૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
સ્થાનિક તંત્રના જણાવ્યા મુજબ રાજ્યમાં ભારે વરસાદને પગલે લોઅર ભવાની ડેમ તેની મહત્તમ સપાટી ૧૦૫ ફૂટે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાણીનો જથ્થો ૩૨ ટીએમસી ફૂટ થયો છે જ્યારે મહત્તમ સંગ્રહ ક્ષમતા ૩૨.૮ ટીએમસી ફૂટ છે. પાણીની આવક ચાલુ રહેતા પીડબલ્યુડી સત્તાધીશોને સોમવારે ડેમમાંથી ૩,૫૦૦થી ૧૧,૯૫૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાની ફરજ પડી હતી.
રેવન્યૂ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું એલર્ટ જાહેર કરીને લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે. ભારે વરસાદને પગલે ચાલુ વર્ષે આ ડેમ છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રામનાથપુરમ, તિરૂનેલવેલી, તૂતીકોરિન, વેલ્લોર, તિરૂવલ્લુરસ તિરૂવન્નમલાઈ જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.
તમિલનાડુમાં ભારે વરસાદથી દીવાલ પડતાં ૧૭નાં મોત, સરકારે ૪ લાખની મદદ કરી

Recent Comments