(એજન્સી) ચેન્નઈ, તા. ૨૧
ઘણા લાંબા સમયની મંત્રણા અને વાદ-વિવાદ બાદ તમિલનાડુ શાસક એઆઈડીએમકેના બે જૂથોનો વિલય થયો છે. પાર્ટીએ આજે વિધિસર રીતે મુખ્યમંત્રી ઈ પલાનીસામી સાથેના જોડાણની જાહેરાત કરી હતી. પલાનીસામી અને પનીરસેલ્વમે એકબીજા સાથે હસ્તધૂનન કર્યું હતું. પાર્ટીએ વીકે શશિકલાને હાંકી કાઢવાની પણ સંમતિ આપી છે. વિલય બાદ પનીરસેલ્વમે હળવી ભાષામાં કહ્યું કે મારા માથા પરનો બોજો હળવો થયો છે. અમને જુદા પાડવાની કોઈની તાકાત નથી. અમે તો અમ્માના બાળકો છીએ અને ભાઈઓ છીએ. પનીરસેલ્વમે ઉપમુખ્યમંત્રી પદે શપથ લીધા હતા.
ઘટનાક્રમના મહત્ત્વના ૧૦ મુદ્દાઓ
૧. જયલલિતાના અવસાન બાદ પાર્ટીમાં આંતરિક વિખવાદ પેદા થયો હતો જેને પરિણામે પાર્ટીના બે ફાડીયા થયા હતા. એકનું નેતૃત્વ પલાનીસામી પાસે તો બીજાનું પનીરસેલ્વમ પાસે હતું.
૨. મુખ્યમંત્રી પલાનીસામીએ પાર્ટી મુખ્યાલયમાં બન્ને જૂથોના વિલયની વિધિસર રીતે જાહેરાત કરી હતી. સાંજના સાડા ચાર વાગ્યે પનીરસેલ્વમે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમને નાણા અને શહેરી વિકાસ મંત્રાલયને સોંપવામાં આવ્યું.
૩. પનીરસેલ્વમને પાર્ટીના સંયોજક બનાવવામાં આવ્યા છે તો પલાનીસામીએ સ્પષ્ટ કર્યું કે એઆઈએડીએમકેનું બે પાંદડાવાળું નિશાન ચૂંટણી ચિન્હ રહેશે. પલાનીસામીની આગેવાનીવાળી છાવણી શશિકલા પર મોટો નિર્ણય લઈ શકે છે.
૪. પાર્ટી પ્રમુખ વીકે શશિકલાને બરખાસ્ત કરવા સંબંધિત પણ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. પનીરસેલ્વમ જૂથની મુખ્ય માગણીમાં શશિકલા અને તેમના સમર્થકોને હટાવવાની હતી. જેને સ્વીકારી લેવામાં આવી છે.
૫. પનીરસેલ્વમ જૂથના પૂર્વ મંત્રી પાંડિરાજનને પણ તમિલ મંત્રી બનાવવામાં આવ્યા છે. વિલય બાદ પનીરસેલ્વમ પાર્ટીના સંયોજક અને હાલના મુખ્યમંત્રી પલાનીસામીને સંયુક્ત સંયોજક બનાવવામાં આવ્યાં છે.
૬. શશિકલાએ જ પનીરસેલ્વમને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી. જેલમાં જતાં પહેલા શશિકલાએ પલાનીસામીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને પાર્ટી મહાસચિવ પદે પોતાના ભત્રિજા દિનકરનને બેસાડ્યા હતા.
૭ પલાનીસામી અને પનીરસેલ્વમ વચ્ચેનું સમાધાન તેમને દિનકર સામેની લડાઈમાં મજબૂત બનાવશે. કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા પોતાનો પક્ષ મજબૂત કરવા માટે તાજેતરમાં દિનકરને પાર્ટીના ૨૦ ધારાસભ્યો સાથે એક રેલી યોજી હતી.
૮. પલાનીસામીએ કહ્યું કે અમ્માના તમામ વાયદાઓ પૂરા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમ્માએ પહેલા જ કહ્યું હતું કે મારા ગયા પછી પણ પાર્ટી ૧૦૦ વર્ષ ચાલવાની છે.
૯. પલાનીસામી અને પનીરસેલ્વમે અલગ-અલગ રીતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. જે પછી સંભવિત વિલયની અટકળો વહેવા લાગી હતી. ભાજપને પાર્ટીની બે છાવણીઓને એક કરાવવામાં રૂચિ છે.
૧૦. પનીર-પલાની જૂથનો વિલય થતાં ભાજપને દક્ષિણી રાજ્ય તમિલનાડુમાં એક મજબૂત ભાગીદાર મળ્યો છે. ભાજપ રાજ્યમાં રાજકીય લાભ ખાટવાની ફિરાકમાં છે તેથી તેણે બન્નેનું સમાધાન કરાવવામાં ખૂબ રૂચિ લીધી હતી. ડીએમકેને અટકાવવા માટે ભાજપ એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરવા સુધી જઈ શકે છે.