(એજન્સી) તામિલનાડુ, તા.પ
તામિલનાડુમાં રાજ્ય પરિવહન કર્મચારીઓએ અનિશ્ચિત કાળ સુધી હડતાળ શરૂ કરી છે. પરિવહન કર્મચારીઓએ પગાર વધારાની માગને લઈને સતત બીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી છે. જેને પગલે ર કરોડ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસોની હડતાળને કારણે તેમને ખાનગી બસોની રાહ જોવી પડે છે. બીજી તરફ રિક્ષાચાલકો પણ તેનો ફાયદો ઉઠાવીને મુસાફરો પાસેથી મનસ્વી રીતે ભાડાની વસૂલાત કરી રહ્યા છે. રાજ્ય પરિવહન નિગમના ચાલકો અને કંડક્ટરો દ્વારા ગુરૂવારે અડધી રાતથી જ હડતાળ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કર્મચારી યુનિયને ૩૦,૦૦૦ પેસ્કેલની માગણી કરી છે. જ્યારે અધિકારીગણે ર૪,૪૦૦ પે-સ્કેલ આપવાનું જણાવ્યું છે. મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા સરકાર સ્થિતિના સમાધાન માટે શક્ય તેટલા પ્રયત્નો કરી રહી છે.
આ ઘટના અંગે ધ્યાન દોરવા માટે મુખ્યમંત્રી પલાનીસ્વામીની અધ્યક્ષતામાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક યોજાઈ. દ્રમુક અને વામદળોની સાથે અભિનેતા કમલ હાસને સરકારને ટ્રેડ યુનિયનો સાથે વાતચીત કરીને મુશ્કેલીઓને દૂર કરવાની વિનંતી કરી છે. આ હડતાળને કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ટ્રેડ યુનિયનના નેતાઓએ વેતન નિર્ધારણ વ્યવસ્થાને સંબંધિત પોતાની માગણીઓને યથાવત રાખી છે. સરકાર સાથે કાલે વાતચીતમાં ભાગ લેનારા સીટુના નેતા એ.સુંદરરાજને કહ્યું કે તામિલનાડુમાં ૧૦ ટકા બસોનું પણ પરિચાલન થઈ શક્યું નથી.