(એજન્સી) ચેન્નાઈ, તા.૬
સોમવારે તામિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા એમ.કે.સ્ટાલિનના નેતૃત્વ હેઠળ ડીએમકેના સભ્યોએ રાજ્યપાલના પ્રવચનનો બહિષ્કાર કર્યો તેમજ નાગરિકતા કાનૂન (સીએએ)ને પરતે લેવા સૂત્રોચ્ચાર કરી ગૃહત્યાગ કર્યો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે વિધાનસભામાં તેમનું પ્રવચન શરૂ કર્યું કે તરત જ ડીએમકે નેતા સ્ટાલિન ઊભા થયા હતા અને કેટલાક મુદ્દાઓ ઉઠાવવાની કોશિશ કરી હતી. રાજ્યપાલે તેમને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે સ્ટાલિનને કહ્યું કે, તમે સારા વકતા છો. ચર્ચા દરમિયાન તમારી પ્રતિભાનો ઉપયોગ કરજો. વિપક્ષોના નેતાએ તેમની વાત રાખવા આગ્રહ કર્યો. પરંતુ તક ન મળતા સ્ટાલિન સહિત વિપક્ષો ગૃહત્યાગ કરી ગયા. સત્તાધારી એઆઈએડીએમકેના ધારાસભ્ય તમિમુન અન્સારી રાજ્યપાલના આસન સુધી પહોંચ્યા અને તેમની સામે ત્રિરંગો લહેરાવ્યો. અન્સારી અને મુસ્લિમ લીગના એક માત્ર ધારાસભ્ય અબુબકર કાળા કપડા પહેરી ગૃહમાં આવ્યા હતા. વિરોધ વચ્ચે રાજ્યપાલે તેમના સંબોધનમાં કહ્યું કે, તામિલનાડુની સરકાર એ સુનિશ્ચિત કરે કે તમામ ધર્મો અને પંથોના નાગરિકોના હિતોની રક્ષા થાય. રાજ્ય કેન્દ્રને અનુરોધ કરે કે તે શ્રીલંકાથી તામિલનાડુ આવેલા શરણાર્થીઓને બેવડી નાગરિકતા આપે.