(એજન્સી) ચેન્નાઈ, તા.રપ
મદ્રાસ હાઈકોર્ટે વંદેમાતરમ પર આદેશ જારી કર્યું છેે. મંગળવારે રપ જુલાઈના રોજ મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો કે તમામ શાળાઓ કોલેજ અને યુનિવર્સિટીમાં અઠવાડિયામાં એક વખત વંદેમાતરમ વગાડવું ફરજિયાત થશે. સોમવારથી શુક્રવાર દરમિયાન રાષ્ટ્રગાન વગાડવામાં આવે. તદ્‌ઉપરાંત સરકારી ઓફિસો, સંસ્થાઓ, પ્રાઈવેટ કંપનીઓ તથા કોઈપણ પ્રાઈવેટ ફેક્ટરીમાં પણ રાષ્ટ્રગાન વગાડવું પડશે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈને વંદેમાતરમ ગાવામાં પરેશાની થતી હોય તો તેની સાથે બળજબરી કરવામાં આવશે નહીં પરંતુ તેની પાસે કોઈ તર્ક કે કારણ હોવું જોઈએ. ન્યાયમૂર્તિ એન.વી. મુરલીધરને આ નિર્ણય સંબંધે અન્ય વાતો પણ કહી હતી. તેમણે કહ્યું જો લોકોને રાષ્ટ્રીય ગીત બંગાળી અથવા સંસ્કૃત ભાષામાં ગાવામાં મુશ્કેલી પડતી હોય તો રાષ્ટ્રીયગીતને તમિલ ભાષામાં ટ્રાન્સલેટ કરવા માટે પગલાં ભરવામાં આવશે. યુવાનો આ દેશનું ભવિષ્ય છે. ટ્રાન્સલેશન માટે કોર્ટે કહ્યું કે લોક સૂચના અધિકારી વંદેમાતરમનું તમિલ અને અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન સરકારી વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર જલ્દી શેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મુદ્દો વિરામણી નામના એક શખ્સની અરજીથી ચર્ચિત બન્યું હતું. વીરામણી બીટી આસિસ્ટન્ટની નોકરી માટે લેખિત પરીક્ષામાં ફેલ થઈ ગયા હતા. પરીક્ષામાં રાષ્ટ્રીયગીત વિષયે એક પ્રશ્ન હતો અને તેઓ જવાબ આપી શક્યા નહીં કારણ કે તેઓને બંગાળી ભાષા ખબર પડતી ન હતી. નોકરી માટે લેખિત પરીક્ષામાં ૯૦ આંક મેળવવા જરૂરી હતા પરંતુ તેઓ ૮૯ આંક મેળવી શક્યા માત્ર ૧ આંક માટે ફેલ થઈ ગયા હતા.