(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૩
સુરત શહેરના મોટા ભાગની માર્કેટોમાં નિઃશુલ્ક પાર્કિંગની સેવા મામલે ટેમ્પો ચાલકો દ્વારા આજથી અનિશ્રીત સમય માટે ટેમ્પોની હડતાળ શરુ કરવામાં આવી છે. માર્કેટોમાંથી ગ્રે માલ કે પાર્સલ મિલો/ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં જશે નહીં અને મિલોમાંથી ગ્રે માલ માર્કેટોમાં આવશે નહીં
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટોમાં મનપા અને પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ તેમજ ુપાર્કિંગ એરિયામાંથી દબાણ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. માર્કેટો દ્વારા નિઃશૂલ્ક પાર્કિંગ સેવા આપવામાં આવે તેવી કડક સૂચના શહેર પોલીસ દ્વારા આપવામાં આવી છે. તેમ છતાં રિંગરોડની માર્કેટો દ્વારા ટેમ્પો ચાલકો માટે પાર્કિંગની જગ્યા ફાળવવામાં આવતી નથી જે માર્કેટો પાસે પાર્કિંગના હેતુ માટેની જગ્યા છે તે જગ્યાનો અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યાં છે કેટલીક માર્કેટો પાર્કિંગ માટેનો ચાર્જ વસૂલે છે. ટેમ્પો ચાલકો અને માર્કેટ એસો. વચ્ચે ચાલી રહેલી નિઃશૂલ્ક પાર્કિંગના મુદ્દે કોઈ સાનુકૂળ નિર્ણય આવ્યો નથી. ટેમ્પો ચાલક એસો.ના પ્રમુખ શ્રવણસિંગ ઠાકુરના જણાવ્યા અનુસાર આજે સવારથી ઉધના દરવાજાથી- સહારા દરવાજા અને સલાબતપુરાથી રઘુકુળ માર્કેટ સુધીના વિસ્તારોમાં ટેમ્પો ચાલકો દ્વારા અનિશ્રિત સમય માટે હડતાળ પાડવામાં આવી છે. જ્યાં સુધી માર્કેટ એસો દ્વારા ટૈમ્પો ચાલકોને પાર્કિંગની જગ્યા આપશે નહીં ત્યાં સુધી માર્કેટોમાંથી ગ્રે માલ, પાર્સલની ડિલીવરી લેવામાં આવશે નહીં.