(એજન્સી) તા.૬
તાજેતરમાં જ પવિત્ર અલ અક્સા મસ્જિદના પરિસરમાં ૧૪ જુલાઈના રોજ બનેલી ઇઝરાયેલી સૈનિકો અને પેલેસ્ટાઇની નાગરિકો વચ્ચેની ગોળીબારની ઘટનાને પગલે બંને દેશો વચ્ચે જોરદાર ઘમાસાણ જોવા મળ્યું. હવે બીજી બાજુ તાજેતરમાં અલ કુદ્‌સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે ફરી એક મોટો ચિંતાનો વિષય ઊભો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે પવિત્ર અલ અક્સા મસ્જિદની આજુબાજુ ટનલોની સંખ્યા ૬૪ને પાર જતી રહી છે. જોકે તેમાંથી ચાર તો પવિત્ર અલ અક્સા મસ્જિદના પરિસરના ખૂણાઓ પર જ આવેલી છે. જોકે અન્ય અડધી જેટલી ટનલો મસ્જિદની પશ્ચિમે આવેલ છે તેમજ ૩ર જેટલી ટનલોનું ખોદકામ ચાલી રહ્યું છે અને આ તમામ ચિંતાજનક કારણોને લીધે પવિત્ર મસ્જિદ અલ અક્સા સામે ધરાશાયી થઇ જવાનું જોખમ ઊભું થયું છે. અલ કુદ્‌સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે આ રિપોર્ટને આઇ ઓન ધી અક્સા નામ અપાયું છે. આ અંગે પીઆઇસીને પણ એક કોપી મળી હતી. જેમાં જણાવાયુું હતું કે જેરૂસલેમ પર કબજો કર્યાની પ૦મી વર્ષગાંઠના અવસરે ર૮ મે ર૦૧૭ના રોજ નવી ટનલ બાંધવા અંગે ઉલ્લેખ કરાયો હતો. જોકે ત્યારે સ્પષ્ટ સંદેશ મળી ગયો હતો કે કબજો કરનારા ટોચના અધિકારીઓએ ખોદકામને સ્વીકારી લીધો છે અને તેઓ યહૂદીવાદને વધારવા અને પ્રોત્સાહન આપવા માટે તેનો દુરૂપયોગ કરી રહ્યાં છે. આ રિપોર્ટ પુષ્ટિ કરે છે કે યહૂદીઓ અલ અક્સા મસ્જિદની આજુબાજુ ખોદકામ કે બાંધકામ કરવાનું બંધ નહીં કરે અને બૈત હલિબા અને બૈત અલ જુહારથી જે રીતે કબજો કરવાની શરૂઆત કરવામાં આવી હતી તે હવે ઘણી આગળ વધી ગઇ છે. અલ બુરાક દીવાલથી તે ફક્ત ર૦ મીટરના અંતરે જ દૂર છે. જ્યારે પશ્ચિમ દિશામાં અલ અક્સાની દીવાલથી ર૦૦ મીટરના અંતરે પર્લ ઓફ ઇઝરાયેલ સિનેગોગનું નિર્માણ કરાઇ રહ્યું છે. કબજાને મંજૂરી આપી દેવાઇ છે અને માઉન્ટ મુકાબેર ખાતે જે જૂના શહેરની દક્ષિણ પશ્ચિમે આવેલ છે ત્યાં સિનેગોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે માઉન્ટ ઓફ ઓલિવ્સને ન્યાય આપવાના ઉદ્દેશ્ય સાથે આ કબજો કરાઇ રહ્યો છે અને તેઓ સાથે સાથે પવિત્ર અલ અક્સા મસ્જિદના કેટલાક ગેટ ઉપર પણ કબજો જમાવવા માટે છે. અલ અક્સા મસ્જિદની આજુબાજુ આવેલા કબ્રસ્તાન પણ યહૂદીઓના નિશાને છે જેમ કે રહેમાહ, યુસુફિયાહ કબ્રસ્તાન. તેના કેટલાક ભાગ પચાવી પાડી ત્યાં તલમુદીક ગાર્ડન બનાવી દેવાયું અને ત્યાં યહૂદીઓને દફનાવાઇ રહ્યાં છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે પવિત્ર અલ અક્સા મસ્જિદમાં રાજકીય, સુરક્ષા, ધાર્મિક અને કાયદાકીય સ્તરે યહૂદીઓનું પ્રમાણ વધતું જઇ રહ્યું છે. આ રિપોર્ટ લખતી વખતે જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન પવિત્ર અલ અક્સા મસ્જિદમાં યહૂદીઓનું જોર વધ્યું છે. તેઓ આવી રીતે પવિત્ર અલ અક્સા મસ્જિદને સંપૂર્ણપણે પચાવી પાડવા તરફ આગળ ધપી રહ્યાં છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કટ્ટરવાદી વસાહતીઓ જે આંતરિક સુરક્ષા બાબતોના મંત્રાલય સાથે સંકળાયેલા છે તેમના દ્વારા ઇઝરાયેલી પોલીસની પણ ભારે પ્રશંસા કરવામાં આવી છે. ગિલાડ એર્દાન અને કમાન્ડર ઓફ ઇઝરાયેલી પોલીસ યોરામ હાલેવીની જોડીની પણ ઇઝરાયેલીઓ ભારે પ્રશંસા કરે છે કારણ કે આ લોકો જ પવિત્ર અલ અક્સા મસ્જિદમાં તમામ પ્રકારની પોલીસ અને સુરક્ષાદળોની કાર્યવાહીને અંજામ આપે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે અલ અક્સા મસ્જિદને કબજે કરવા માટે રાજકીય અને સુરક્ષાવાળા પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેનું એક ઉદાહરણ છે કે યહૂદી સંસદે એક કાયદો પસાર કરી હાલમાં જ અલ અક્સા મસ્જિદમાં નમાઝ બંધ કરાવી દીધી હતી. રિપોર્ટમાં ૧૯ સપ્ટેમ્બર ર૦૧૬ની ઘટનાનો પણ ઉલ્લેખ કરાયો છે જેમાં કેટલાક ઇઝરાયેલી રાજનેતાઓ અલ અક્સા મસ્જિદમાં ધસી આવ્યા હતા. જોકે ઇઝરાયેલી વડાપ્રધાને આ મામલે મંજૂરી આપી ન હતી. સાંસદ રબ્બી યેહૂદા ગિલકિે કતાનિન ગેટ સામે તેમને અટકાવ્યા બાદ પ્રાર્થના કરી હતી. અત્યાર સુધી ર૩૬૬૧ જેટલા યહૂદી અંતિમવાદીઓ આ રિપોર્ટ લખાયાના સમયાગાળા દરમિયાન પવિત્ર અલ અક્સા મસ્જિદમાં બળજબરીપૂર્વક ધસી આવ્યા છે. જે ગત વર્ષથી સરખામણીએ લગભગ પ૮ ટકા વધી ગયો છે. તાજેતરમાં જ ૧૪ જુલાઇના રોજની ગોળીબારની ઘટના બાદ પણ અલ અક્સા મસ્જિદમાં સીસીટીવી કેમરા, મેટલ ડિટેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના બાદ પેલેસ્ટાઇની નાગરિકોએ જોરદાર વિરોધ કર્યો હતો અને તેમનો વિજય થયો. યુનેસ્કોએ પણ કેટલાક મહત્વના ખરડા પસાર કરી પેલેસ્ટીનના કેટલાક શહેરોને ઐતિહાસિક દરજ્જો આપ્યો હતો અને તેના કારણે ઇઝરાયેલને મોટો ફટકો પહોંચ્યો હતો. તમને જણાવી દઇએ કે આ રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે કબજા હેઠળની નીતિનો લોકો જાહેરમાં વિરોધ કરે. તેના માટે જેરૂસલેમના લોકોએ એકજૂથ બનવાની જરૂર છે. બીજીબાજુ ગાઝાના લોકોને પણ તેમની પોપ્યુલર ચળવળને આગળ વધારવા અપીલ કરવામાં આવી છે જેથી અલ અક્સા મસ્જિદના માળખાને બચાવી શકાય. રિપોર્ટમાં આશા વ્યક્ત કરાઇ છે કે પેલેસ્ટીની સરકાર નિર્ણય કરશે અને પ્રતિકાર કરવા છુટ્ટોહાથ આપશે અને જેરૂસલેમ તથા અલ અક્સા મસ્જિદને બચાવવા માટે જરૂરી કાર્યવાહી પણ કરશે. આ રિપોર્ટમાં અલ અક્સા મસ્જિદના સંચાલક દેશ જોર્ડનને પણ જોરદાર રીતે અપીલ કરવામાં આવી છે કે તે અલ અક્સા મસ્જિદના માળખાને બચાવવા માટે યોગ્ય કાર્યવાહી કરે અને જરૂરી પગલાં ભરે.