અમદાવાદ, તા.ર૧
પાટીદાર અનામત આંદોલનના જુદા-જુદા કાર્યક્રમો વખતે સરકાર ૧૪૪ની કલમ લાગવી પાટીદારોના કાર્યક્રમોને નિષ્ફળ બનાવતી હતી. પાટીદારો ઉપર અત્યાચાર ગુજારનારી ભાજપ સરકાર ઉપર ચૂંટણી ટાણે ૧૪૪ની કલમ ખુદ પાટીદારોએ લગાવી છે અને ગામમાં ઘૂસવા નહી દેવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે બહુ તાનાશાહી થઈ. અમારા ઉપર કલમ-૧૪૪ લગાવી હવે ભાજપની ખૈર નથી. હવે દરેક ગામમાં ભાજપ વિરૂધ્ધ ૧૪૪ કલમ લગાવેલ બોર્ડ મુકાશે. હાર્દિકે પાટીદારોને અપીલ કરી છે કે ગુજરાતના તમામ ગામડાઓમાં વધુમાં વધુ ભાજપ વિરૂધ્ધ ૧૪૪ની કલમ લગાવી તેઓના માટે પ્રવેશબંધીના બેનરો લગાવો. તદ્‌ઉપરાંત ભાજપ દ્વારા પ્રચાર પ્રસારમાં અસંખ્ય વાયદાઓ કરવામાં આવ્યા હતા. તેના પર ‘મારા હાળા છેતરી ગયા’નું સ્લોગન સોશિયલ મીડિયામાં વધુમાં વધુ શેર કરવા હાર્દિકે પાટીદારોને આહ્‌વાન કર્યું છે.