(એજન્સી) સેઉલ,તા.૮
ઉત્તરકોરિયાએ છેલ્લે કરેલ બેલેસ્ટીક મિસાઈલ ટેસ્ટ પછી શનિવારે અમેરિકાએ દક્ષિણકોરિયાની ઉ.કોરિયાની સરહદે બોમ્બ વિમાનોનું પ્રદર્શન કરી ઉત્તરકોરિયા સમક્ષ તાકાતનું પ્રદર્શન કર્યું હતું. તેમ દ.કોરિયાના રક્ષામંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું. અમેરિકાએ તેના બી-૧બી બોમ્બર વિમાનોનું દક્ષિણકોરિયા અને ઉત્તરકોરિયાની સરહદ નજીક નિર્દેશન યોજી ઉત્તરકોરિયાના તાનાશાહને ચેતવણી આપી હતી. હાલમાં બન્ને કોરિયા વચ્ચે તણાવ ચાલે છે. સરહદે ભારે લશ્કર અને લશ્કરી સામાન ખડકાયો છે. તેની વચ્ચે ઉત્તરકોરિયાના છેલ્લા બેલેસ્ટીક મિસાઈલ ટેસ્ટ પછી અમેરિકાએ આ બોમ્બર વિમાનોનું નિર્દેશન કર્યું હતું. અમેરિકાના આ વિમાનો ર હજાર પાઉન્ડના વિનાશક બોમ્બ દ્વારા બંકરોનો નાશ કરવા સક્ષમ છે. દક્ષિણ કોરિયા અને અમેરિકાના જેટફાઈટર વિમાનોએ સંયુક્ત રીતે આકાશમાં ડ્રીલ યોજી હતી. જે ઉ.કોરિયાની સરહદ નજીક યોજાઈ હતી. ડ્રીલ દ્વારા બેલેસ્ટીક મિસાઈલોને તોડી પાડવાનું નિર્દેશન થયું હતું. ઉત્તર કોરિયાએ શુક્રવારે ઈન્ટરકન્ટીનેટલ બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વોશિંગ્ટન સાથે તણાવ વધ્યો હતો.