(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૧
શહેરમાં ચોફેર વિકાસની વાતો કરનાર સત્તાધારી પક્ષના હોદ્દેદારો તાંદલજા વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખતા હોવાથી છેલ્લા પાંચ વર્ષ પ્રાણ પ્રશ્નોની સ્થિતિ જૈસે થે છે. કોંગ્રેસ વિકાસ ગાંડો થયો છે એવું મેણું ભાજપને મારે છે છતાં ભાજપવાળા બોલતા નથી કે, વિકાસ ડાહ્યો છે જ્યાં હોય ત્યાં શહેરમાં વિકાસની મોટી મોટી વાતો કરે છે. શહેર સાથે જોડાયેલા તાંદલજા વિસ્તાર કે, જ્યાં મુસ્લિમ અને હિન્દુ બંને કોમની વસ્તી હોવા છતાં વિકાસ નજરે પડતો નથી. જે સત્તાધારી ભાજપ પક્ષની દેન છે. છેલ્લા પાંચ વર્ષમાં તાંદલજા વિસ્તારમાં વિકાસ ફરક્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય માર્ગોની હાલતમાં સુધારો થયો નથી. તૂટી ગયેલા મુખ્ય માર્ગો વધુ તૂટ્યા હોવા છતાં નવા માર્ગો બનાવવામાં આવ્યા નથી. કબ્રસ્તાન અને સ્મશાનની જગ્યા ફાળવવાની માગણી કરવામાં આવી હોવા છતાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો રજૂઆત કાને ધરતા નથી. કોમ્યુનીટી હોલ બનાવવા કે તાંદલજાના તળાવની સુંદરતા કરવાના કામો સત્તાધારી ભાજપના લિસ્ટમાં નથી. ૨૦૧૪માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે વિસ્તારના નાગરિકોને આપેલા વચનો પૈકી એક પણ વચન પાળ્યું નથી. આથી આવતીકાલે શુક્રવારના રોજ બપોરે ૩ વાગે તાંદલજા ગામની દરગાહથી એક રેલી નીકળશે. રેલીના આગેવાનો મ્યુ.કમિશનરને આવેદન આપી વિસ્તારના વિકાસ પ્રત્યે વહિવટીતંત્ર કેમ ઓરમાયુ વર્તન રાખે છે એ અંગે રજૂઆતો કરશે.