(એજન્સી) પણજી, તા. ૧૮
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરે એવું જણાવ્યું કે તેઓ રાજ્યમા ગૌમાંસની ક્યારેય પણ ખોટ પડવા નહીં દેય. અને તેની સાથે કામ પાર પાડવા માટે સરકારે કર્ણાટકમાંથી આયાતનો વિકલ્પ ખુલ્લો આપ્યો છે. પરિકરે ગોવા વિધાનસભામાં કહ્યું કે અમે કર્ણાટકના બેલગામમાંથી ગોમાંસની આયાત કરવાનો વિકલ્પ બંધ કર્યો નથી. જેથી કરીને એવું સુનિશ્ચિત કરી શકાય કે ગૌમાંસની કોઈ ખોટ ન પડે. તો કોંગ્રેસે મનોહર પારીકરની આ વાતને હાસ્યાપદ ગણાવી છે.
કોંગ્રેસ નેતા રાજીવ શુકલાએ કહ્યું કે ગોવામાં ભાજપના મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે તેઓ રાજ્યમાં ગૌમાંસની ખોટ પડવા નહી દેય. આ અત્યંત હાસ્યાપદ છે. ભાજપના ધારાસભ્ય નિલેશ બકરાલના એક સવાલના જવાબમાં પારીકરે કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે રાજ્યમાં કદી પણ ગૌમાંસની તંગી પડવા નહી દેવામાં આવે. પડોશી કર્ણાટકમાંથી તેની આયાત પર ક્યારેય પણ પ્રતિબંધ નહીં મૂકવામાં આવે. પડોશી રાજ્યમાંથી આવનાર ગૌમાંસની યોગ્ય અને પર્યાપ્ત તપાસ કરવામાં આવશે. પારીકરે કહ્યું કે અહિંથી લગભગ ૪૦ કિલોમીટર દૂર પોન્ડા સ્થિત ગોવા મીટ પરિસરમાં રાજ્યના એકમાત્ર કતલખાનામાં રોજનું લગભગ ૨,૦૦૦ કિલો ગૌમાંસ તૈયાર થાય છે. ૧૧ જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના પશુ વેચાણ સંબંધિત જાહેરનામા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કેન્દ્ર સરકાર પણ અગાઉ કહી ચૂકી છે કે આ જાહેરનામું ગૌમાંસ પ્રતિબંધમાં પરિણમતું નથી. અને આ અંગ સરકાર સૂચનો સ્વીકારવા
તૈયાર છે.