વંથલી, તા.૨૫
વંથલી શહેર અને તાલુકાના દલિત સમાજ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાનું બસ સ્ટેન્ડ ચોક નજીક મુખ્ય ચોકમાં ધામધૂમપૂર્વક સ્થાપના કરી ઉત્સવ જેવો માહોલ ઊભો કરી દીધો હતો. વંથલી દલિત સમાજ વિસ્તારમાંથી ભવ્ય રેલી સ્વરૂપે મુખ્ય બજારોમાં ફરી ડો.આંબેડકર ચોક ખાતે આવી પહોંચેલ ત્યાં બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વંથલી શહેર અને તાલુકાના દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકરોની વિશાલ હાજરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વંથલી બસ સ્ટેન્ડ નજીકના ચોકમાં ભૂતકાળમાં દલિત સમાજ દ્વારા દલિતોના દેવબાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા તંત્ર સમક્ષ પરવાનગી માગવામાં આવેલ પરંતુ તંત્ર દ્વારા પરવાનગી આપવા ઇનકાર કરી દેવામાં આવેલ ત્યારે જે તે સમયે આ ઘટનાના ઘેરા પડઘા પડેલ હતા અને દલિત સમાજમાં રોષ ફાટી નીકળેલ હતો પરંતુ આજે વંથલી તાલુકા દલિત સમાજ પ્રતિમા મૂકવા મક્કમ બની રાતોરાત બાબાસાહેબની પ્રતિમા મૂકી દેવામાં આવેલ. જ્યારે બીજા દિવસે સવારે વિશાળ સંખ્યામાં દલિત સમાજના ભાઈ-બહેનોએ ડીજેના તાલે જૂમતા જૂમતા આંબેડકર ચોક આવી પહાંેચેલ હતા. જ્યાં નવનિર્મિત પ્રતિમાને દલિત અગ્રણીઓએ ફૂલહાર કરી સન્માન કરવામાં આવેલ. ત્યાંથી દલિત સમાજ રેલી સ્વરૂપે વંથલી મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશને આવી પહોંચી આ પ્રતિમાની સુરક્ષા સંભાળવા માગણી કરેલ હતી. દલિત સમાજના અગ્રણીઓએ આક્રમક રજૂઆત કરતા જણાવેલ કે, જો આ પ્રતિમાને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આંચ આવશે તો દલિત સમાજ સાંખી નહિ લે અને દલિત સમાજને રોડ ઉપર ઉતારવા મજબૂર બનવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.