(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૨૩
સ્માર્ટ સીટી વડોદરામાં તંત્રની ઉદાસીનતાને કારણે ઠેર ઠેર મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે. ગત વર્ષે વડોદરામાં કોહરામ મચાવનાર ડેન્ગ્યુ જેવા રોગના કેસો સામે આવી રહ્યા છે. વડોદરાના મેયર જ્યા રહે છે તેવા કુંજ પ્લાઝા એપાર્ટમેન્ટમાં એક મહિલાનો ડેન્ગ્યુનો પોઝીટીવ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી છે.
વડોદરાને સંસ્કારી નગરી અને ઉત્સવ નગરી જેવા અનેક ઉપનામો મળ્યા છે. પરંતુ પાલિકાના બેજવાબદાર સત્તાધિશો અને નિરંકુશ બેદરકાર વહીવટી તંત્રના અધિકારીઓના પાપે શહેર ભૂવા નગરીની સાથે સાથે મચ્છર નગરી તરીકે પણ જાણીતું બન્યું છે. ગત વર્ષે આરોગ્ય વિભાગની લચળ કામગીરીના પગલે ડેન્ગ્યુ, મેલેરીયા જેવા અસંખ્ય કેસો સામે આવ્યા હતા. જેમાં ૨૫થી વધુ લોકોના મોત થયા હતા. જોકે ગત વર્ષની આ હાલત બાદ પણ તંત્રણએ જાણે કોઇ શીખ લીધી નથી. આજે પણ શહેરમાં ફોેગીંગની કામગીરી કરવામાં ન આવતી હોવાની બૂમો ઉઠી છે. ત્યારે શહેરના પ્રથમ નાગરીક મેયર જ્યા રહે છે તેવા કુંજ પ્લાઝામાં જ ડેન્ગ્યુનો કેસ પોઝીટીવ આવ્યો છે. કુંજ પ્લાઝામાં રહેતા એક મહિલાને ડેન્ગ્યુ પોઝીટીવ આવતા તેઓને કુંજ પ્લાઝાની જ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા છે. કુંજ પ્લાઝામાં ડેન્ગ્યુનો કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.