અમરેલી, તા.૧૭
અમરેલી જિલ્લાના ખજૂરી ગામે ડૉ.બાબા સાહેબ આંબેઢકરની પ્રતિમાનું કામ અટકાવી ટીડીઓ દ્વારા સ્ટે મૂકી દેતા આ બાબતે ગઈકાલે અમરેલી કલેકટર ચેમ્બરમાં બે દલિત યુવાનોએ ઝેરી દવા પી આત્મવિલોપન કરવાના પ્રયાસ બાદ દલિત સમાજ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપી સ્ટે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર અનસન ઉપર ઉતરી જઈ ૪૮ કલાક બાદ કોઈ નિર્ણય નહીં આવે તો દલિત સમાજ રોડ-રસ્તા ઉપર ઉતરી અંતિમ પગલું ભરવા પણ દલિત સમાજે ચીમકી આપતા સરકારી તંત્રમાં દોડધામ મચેલ છે.
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામના દલિત સમાજ દ્વારા ગામમાં દેશના બંધારણના ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે ગ્રામપંચાયત હસ્તક માંગણી કરી હતી. તે બાબતે ગ્રામ પંચાયતે જગ્યા ફાળવી મંજૂરી પણ આપી દીધા બાદ ગામના અમુક દલિત વિરોધી શખ્સોએ સ્ટેચ્યુ મૂકવા વિરોધ કરતા અને દલિત યુવાનોને મારમારી સ્ટેચ્યુની કામગીરી અટકાવી બાદમાં ટીડીઓ દ્વારા સ્ટેચ્યુ મૂકવા સામે સ્ટે મૂકી દેતા ખજૂરી ગામના બે યુવાનોએ ગઈકાલે અમરેલી કલેક્ટર ચેમ્બરમાં ઝેરી દવા પી જઈ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો બંને દલિત યુવાનોને સિવિલ હોસ્પ્ટિલ સારવારમાં ખસેડાયા હતા દરમ્યાન આજે ખજૂરી ગામના તેમજ અમરેલી જિલ્લાના દલિત સમાજે આજે સાંજે કલેક્ટરને આવેદનપત્ર આપી ડૉ. બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સામે મૂકેલ સ્ટે રદ કરવામાં આવે તેવી માંગણી સાથે અમરેલી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બહાર અનસન ઉપર ઉતરી ગયો હતો અને માંગણી કરેલ હતી કે ૪૮ કલાક બાદ સ્ટે રદ નહીં કરવામાં આવે તો દલિત સમાજ રોડ રસ્તા ઉપર આવી અંતિમ પગલાં ભરવાની ચીમકી આપતા સરકારી તંત્ર દોડતું થયેલ છે. સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના આગેવાન નવચેતન પરમાર તેમજ વિકી પરમાર, સંજય કાતરિયા સહિતના દલિત યુવાનોએ છાવણી નાખી અનસન ઉપર બેસી ગયા હતા.