(એજન્સી) અલીગઢ, તા.૨૭
ઉત્તરપ્રદેશના અલીગઢમાં બુધવારે કટ્ટરવાદી આતંકવાદીઓના એક જૂથે જિલ્લા વહીવટીતંત્રની ટીમ પર હુમલો કરી દીધો હતો કેમ કે, તેઓ રખડતી ગાયોને ગૌશાળા લઇ જઇ રહ્યા હતા. ગોરાઇમાં વિસ્તારના લોકોએ એક સરકારી શાળા અને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં આશરે ૭૦૦-૮૦૦ ગાયોને બંધ કરી રાખી હતી. અહીં સ્થાનિક ખેડૂતોનો આરોપ હતો કે, આ રખડતી ગાયો તેમની ખેતી બરબાદ કરતી હતી.
સ્થાનિક ખેડૂતો અનુસાર ગાયો ખેતીને નષ્ટ કરી રહી હતી. ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે, આ ગાયોને રાખવા માટે સરકાર પાસે ગૌશાળા બનાવવાની માગ કરવામાં આવી હતી પરંતુ તેમની માગ પુરી નથી થઇ. આવા સમયે આ ગાયોને સરકારી શાળામાં બંધ કરવાની ફરજ પડી હતી જેથી ખેતીને બચાવી શકાય. અલીગઢ જિલ્લા મેજિસ્ટ્રેટ સીબી સિંહે જણાવ્યું હતું કે, વહીવટીતંત્રને ફરિયાદ મળી હતી કે, ગ્રામીણોએ શાળા અને એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રખડતી ગાયોને પુરી રાખી છે. તેમણે કહ્યું કે, મેં એસડીએમને ગોરાઇ આવવાનો નિર્દેશ કર્યો છે. સમસ્યાના સમાધાન માટે ગ્રામ પ્રધાનોને જવાબદારી અપાશે. અમે વિવિધ ગામોમાં ગૌશાળાના નિર્માણની પ્રક્રિયામાં છે. અહીં એસએસપી અનુસાર વહીવટી તંત્રની એક ટીમ કેટલીક ગાયોને ગૌશાળા લઇ જઇ રહી હતી. આ દરમિયાન કોઇએ વોટ્‌સએપ પર અફવા ફેલાવી દીધી હતી કે, ગાયોને કતલખાને લઇ જવાઇ રહી છે. અફવા બાદ તંત્રના લોકો પર સ્થાનિકોએ હુમલો કરી દીધો હતો અને ગાડીઓમાં તોેડફોડ કરી હતી. એસએસપીએ કહ્યું કે, આ મામલે બે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.