(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૯
અમદાવાદના વૃદ્ધ ઠગ બાબાએ સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાને ૧૩ મહિનાના સમયગાળા દરમિયાન વિધી કરવાના બહાને સોના ચાંદીના દાગીના વધુ આપવાની લોભામણી લાલચ આપી ૪૦થી પપ તોલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ર.૧ર લાખ પડાવી લઇને મહિલા અને તેના પુત્રને ફોસલાવીને જુદી જુદી જગ્યાએ ફેરવીને શારીરિક શોષણ કર્યું હતું.
આખરે મહિલા તેના ચુંગાલમાંથી છટકીને સુરત પરત આવીને સલાબતપુરા પોલીસ મથકે ઢોંગી બાબા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતી ૩પ વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર અમદાવાદના ખાનપુર કલ્યાણીવાડ ખાતે રહેતા ૬૦ વર્ષીય સૈયદ હબીબુલ્લા સુરત ખાતે તાંત્રીક વિધી કરવા આવતા હોવાથી તેમના સંપર્કમાં આવી હતી. તે દરમિયાન તાંત્રીક વિધી કરીને સોનાચાંદીના દાગીના જે તમે આપો તેના વધુ કરવાની લાલચ આપતા આ મહિલા તાંત્રીક બાબાની જાળમાં ફસાઇ જઇને તેના તથા તેના સગાસંબંધી પાસેથી આશરે ૪૦થી ૪પ તોલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ર.૧ર લાખ તાંત્રીક વિધી કરવાના બહાને પડાવી લીધા બાદ મહિલાને તાંત્રીક વિધી કરવા માટે લલચાવી ફોસલાવી જુદી જુદી જગ્યાએ ફેરવી ત્યારબાદ અમદાવાદ ખાતે હુશેનપાર્ક આઇસ ફેક્ટરી તવક્કલ ફલેટ્‌સમાં આવેલ પાંચમા માળે ફલેટમાં મહિલા અને તેના પુત્રને ગેરકાયદેસર ગોંધી રાખીને ધાક ધમકી આપીને તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધીને તેના પતિ તથા જેઠના વિરૂદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરીને તેની સહીઓ કરાવી લીધી હતી. આખરે ઢોગી તાંત્રીક બાબાની ચુંગાલમાંથી જેમ તેમ કરી બહાર નિકળ્યા બાદ સુરત ખાતે તેના પરિવારજનો લઇ આવ્યા હતા.