(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચારિત બિલિમોરાના તાંત્રિક દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ પ્રકરણમાં મહુવા વિસ્તારની પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ બારડોલી પોલીસ મથકના પી.આઈ. નયન ચૌહાણે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મહુવાની પીડિતાને બબ્બે વાર સાપુતારા વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત તાંત્રિક શૈલેષ નાયકા દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવી હોવાનું તપાસ કરનારા અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિલિમોરા-ચીખલીની ૨૧ વર્ષની અને બ્યુટીપાર્લર સાથે સંકળાયેલા યુવતીએ બિલિમોરા પોલીસ મથકમાં ઓરિયા-મોરિયા વિસ્તારમાં રહેતા તાંત્રિક શૈલેષ નાયકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તેની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ મહુવા વિસ્તારની એક અપરિણીત યુવતીએ પોતાની સાથે પણ તાંત્રિક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ટ્રાન્સફર વોરંટ દ્વારા શૈલેષ બાપુની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ રિમાન્ડ દરમિયાન તેણે પોલીસ સમક્ષ એવી પણ કબૂલાત કરી હતી કે, યુવતીને સાપુતારા વૈશાલી ગેસ્ટ હાઉસ ખાતે બબ્બેવાર લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતીની મરજી વિરૂદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનાની તપાસ કરનાર પી.આઈ. ચૌહાણ ગેસ્ટ હાઉસના રજીસ્ટર પણ કબજે લીધા હતા.