(એજન્સી) મુંબઈ, તા.ર૬
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધતા જતા કાસ્ટિંગ કાઉચ પર વર્તમાન સમયમાં બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ જાહેરમાં પોતાનો અભિપ્રાય જણાવી રહી છે. આ મુદ્દા પર અત્યાર સુધીમાં ઘણી અભિનેત્રીઓ ખુદની સાથે થયેલા કાસ્ટિંગ કાઉચ વિશે જણાવી ચૂકી છે. આ દરમિયાન, હવે બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણીએ જણાવ્યું કે, તે પણ એકવાર તેનો ભોગ બની ચૂકી છે. આપને જણાવી દઈએ કે ઈંમી ટુ અભિયાન દ્વારા હોલિવૂડની ઘણી અભિનેત્રીઓ તેમનું જાતીય શોષણ થયું હોવાનો આરોપ મૂકી ચૂકી છે. ઈંમી ટુ અભિયાનની અસર ઘણી બોલિવૂડ અભિનેત્રીઓ પર પણ પડી છે અને તેમણે તેમના જાતીય શોષણ અંગે ખુલાસો પણ કર્યો છે. હવે આ અભિયાન અંગે વાત કરતાં અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ ખુદના જાતીય શોષણ વિશે ખુલ્લા દિલથી વાત કરી છે. ફિલ્મ ‘આશિક બનાયા આપને’થી ચર્ચામાં આવનારી અભિનેત્રી તનુશ્રી દત્તાએ પ્રખ્યાત અભિનેતા નાના પાટેકર પર ગંભીર આરોપ મૂક્યા છે. તનુશ્રીએ જણાવ્યું કે, શૂટિંગ દરમિયાન તેણી સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ દરમિયાન એક સ્પેશિયલ નંબર દરમિયાન તેણી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. એવામાં ઈંમી ટુ અભિયાન દરમિયાન અભિનેત્રીએ આ વિશે વાત કરી અને પોતાની આપવીતી સૌની સમક્ષ રજૂ કરી.
હકીકતમાં, અહેવાલ મુજબ ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મમાં તનુશ્રી અને નાના પાટેકરની વચ્ચે એક આઈટમ સોન્ગ ફિલ્માવવામાં આવી રહ્યું હતું તે દરમિયાન નાના પર તેણીએ ખોટી રીતે સ્પર્શવાનો આરોપ મૂક્યો છે. અહેવાલ મુજબ, તનુશ્રીની માતાએ આ ઘટનાની જાણકારી માટે એક પ્રેસ સાથે બેઠક પણ યોજી અને ત્યારબાદ તનુએ આ કેસની વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરાવી. કહેવાય છે કે, આ ઘટના બાદ તનુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.