(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા. ૨૫
ગુજરાત લોકસભાની તાજેતરની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાના બાવળાના બાપુપુરા ગામે થયેલા બોગસ મતદાન મામલે હવે વહીવટીતંત્ર દોડતું થયું છે અને ગાંધીનગર જિલ્લા કલેકટરે સમગ્ર ઘટના મામલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાને તપાસના આદેશ આપ્યા છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ બોગસ મતદાન કરતા હોવાનો વિડીયો વાઇરલ થતાં સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ચૂંટણી તંત્ર અને શાસક પક્ષ ભાજપ સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. બોગસ મતદાનનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતાઓએ વીડિયો જૂનો હોવાનો દાવો કર્યો હતો તો બીજીબાજુ, આ કેસમાં ફરિયાદી એવા કોંગ્રેસના સંજય મકવાણાએ બોગસ મતદાનનો વીડિયો આ જ ચૂંટણીનો બે દિવસ પહેલાંનો જ હોવાનો મક્કમ દાવો કર્યો છે. એટલું જ નહી, તેમણે આ અંગેના તમામ પુરાવાઓ પણ આપવાની તૈયારી દર્શાવી છે. વધુમાં, ફરિયાદી સંજય મકવાણા તરફથી ચૂંટણી પંચને આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણ અને એ દિવસે ફરજ પર હાજર પ્રિસાઇડીંગ ઓફિસર તથા અન્ય ચૂંટણી અધિકારીઓ સહિતના તમામ કસૂરવારો સામે કાયદાકીય રાહે કડક પગલાં લઇ આકરી સજા કરવા પણ ઉગ્ર માંગણી કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં બોગસ મતદાન થતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને ચૂંટણીમાં ફરજ પર હાજર એકપણ અધિકારી તેનો વિરોધ નથી કરી રહ્યાં. ઘટના મામલે હવે સજાગ થયેલા તંત્રએ તપાસ માટે આદેશ આપ્યા છે. ત્યારે ચૂંટણી પંચ હવે શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે. ગઈકાલે અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરનાર મતદારોના નામે બાવળા તાલુકાના બાપુપુરા મતદાન મથકમાં બોગસ વોટિંગ કરાવ્યું હોવાનો કથિત વીડિયો ફરતો થયો હતો. આ વીડિયોને આધારે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે ઉમેદવારને આવી ઘટના ફરી ના થાય તેવી ટકોર કરી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ કહ્યું કે રજૂઆત બાદ અધિકારીઓએ વીડિયો જૂનો હોવાનું જણાવતા વિરોધ ટાળ્યો હતો. જો કે, કોંગ્રેસ હવે સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ ન્યાય માટે લડત આપશે. આ મામલે કાનૂની નિષ્ણાતોની સલાહ મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરાઇ રહી છે.