કોડીનાર, તા.રર
કોડીનાર તાલુકાના આલીદર ગામના સરપંચ દ્વારા તેમના વહીવટમાં અનેક પ્રકારની ગેરરીતિ આચર્યા અંગેના આધાર પુરાવા સાથે ગામના અગ્રણી અરસીભાઈ રણાભાઈ ચૌહાણે પંચાયત મંત્રીને રજૂઆત કરી આ સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૦૦૩ની કલમ પ૭ નીચે કાર્યવાહી કરી તેને હોદ્દા ઉપરથી દૂર કરવા અને આચરેલા ભ્રષ્ટાચારની તપાસ કરી ફોજદારી ફરિયાદ દાખલ કરવા વિસ્તૃત પત્ર લખી માગણી કરી છે.
પત્રમાં જણાવ્યું છે કે આલીદર ગામના સરપંચ પ્રતાપભાઈ કરશનભાઈ પઢિયારે તેમના હોદ્દાનો દૂર ઉપયોગ કરી ગ્રામપંચાયત દ્વારા ખરીદ કરવામાં આવેલ ડસ્ટબીન ફૂટપાથ બનાવવા માટે પેવર બ્લોક, સ્મશાનમાં સુવિધા ઉભી કરવા બનાવવામાં આવેલા લોખંડના દરવાજા, સિમેન્ટના બાકડા ખરીદવા સહિતના કામોમાં નિયમ મુજબ જી.એસ.ટી. કે તારીખ વગરના ખોટા બિલ વાઉચર બનાવી નાણાની ઉચાપત કરેલ છે. આ સિવાય સરકારની વિવિધ બાંધકામની યોજનામાં કોમ્યુનિટી હોલ રિપેરીંગ, એ.ટી.વી.ટી. યોજના રસ્તા/ ગટર કામમાં સિમેન્ટ ઓછી વાપરી નબળી ગુણવત્તાનું કામ અને બાલમંદિરનો ઈમલો વેચવા માટે નિયમોનુસાર કામગીરી નહીં કરવા ઉપરાંત ગામમાં નાંખવામાં આવેલ અત્યંત હલકી કક્ષાની એલ.ઈ.ડી.ની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હોઈ તેમની સામે તપાસ કરી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી છે.