(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ મસ્જિદોમાં લાગેલા લાઉડસ્પીકર્સથી ધ્વનિ પ્રદૂષણ થાય છે કે નહીં ? તેની તપાસ કરવાના આદેશો આપ્યા છે. મામલો પૂર્વ દિલ્હીમાં આવેલી સાત મસ્જિદનો છે. એનજીટીએ દિલ્હી સરકાર અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ સમિતિઓને કહ્યું છે કે શું આ મસ્જિદો પર લાગેલા લાઉડસ્પીકર્સ ધ્વનિ પ્રદૂષણનું કારણ તો નથી ? સમિતિઓ આ બાબતે તપાસ કરે. એનજીટીએ જણાવ્યું છે કે જો ખરેખર આ મસ્જિદોના લાઉડસ્પીકર્સથી ખરેખર ધ્વનિ પ્રદૂષણ થઇ રહ્યું છે તો, તેમની સામે પર્યાવરણના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક એનજીઓ અખંડ ભારત મોરચાએ અરજીમાં આરોપ મુક્યો છે કે પૂર્વ દિલ્હીની સાત મસ્જિદોમાં લગાવેલા લાઉડસ્પીકર્સનો ખોટી રીતે ઉપયોગ થઇ રહ્યો છે. આ લાઉડસ્પીકર્સને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અરજદારે જણાવ્યું છે કે આ મસ્જિદો શાંત વિસ્તારમાં છે. મસ્જિદોની આસપાસ સ્કૂલ અને હોસ્પિટલ આવેલા છે. આ લાઉડસ્પીકર્સના અવાજ નિર્ધારિત મર્યાદાથી ઉંચો હોય છે. તેની અસર હોસ્પિટલના દર્દીઓ અને સ્કૂલના બાળકોના સ્વાસ્થ્ય પર પડે છે. એનજીટી અધ્યક્ષ આદર્શ કુમાર ગોયલે જણાવ્યું કે આ મસ્જિદો સામે ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો મળી હતી પરંતુ દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ વિભાગે ક્યારેય તપાસ કરી નથી અને કોઇ કાર્યવાહી પણ કરી નથી.