(એજન્સી) અલીગઢ, તા. ૯
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)માં પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર અંગે સર્જાયેલા વિવાદ વચ્ચે અલીગઢના ખૈર ટાઉનમાં આવેલા પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી) વિભાગના ગેસ્ટહાઉસ ખાતેની એએમયુના સ્થાપક સરસૈયદ એહમદખાનની તસવીર હટાવીને તેની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી દેવામાં આવી છે. અલીગઢના જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્રભૂષણસિંહે સરસૈયદની તસવીર હટાવવાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. જોકે, તપાસનો અહેવાલ હજીસુધી સુપરત કરવામાં આવ્યો નથી.
જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું કે પીડબ્લ્યુડી ગેસ્ટ હાઉસ રાજ્યની માલિકીની સંપત્તિ હોવાથી ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવવામાં કશું જ અસામાન્ય નથી પરંતુ સરસૈયદ એહમદની તસવીર હટાવવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે એવું પણ કહ્યું કે આ મુદ્દો વર્તમાન વિવાદને ભડકાવવા માટે ખોટી રીતે ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું લાગે છે. સત્ય શોધવા માટે તપાસ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. તપાસનો અહેવાલ હજી સુપરત કરવામાં આવ્યો નથી. આ ઘટના સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે સરસૈયદ એહમદની તસવીર ગયા સપ્તાહે હટાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. સ્થાનિક મીડિયામાં આ બાબત અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે તપાસનો આદેશ આપ્યો. અલીગઢના ભાજપના સાંસદ સતીશ ગૌતમે ચાલુ મહિનાના પ્રારંભમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વાઇસ ચાન્સલરને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે એવો પ્રશ્ન કર્યો હતો કે એએમયુના કેમ્પ્સમાં પાકિસ્તાનના સ્થાપકની તસવીર શા માટે લગાવવામાં આવી છે ? એએમયુના વિદ્યાર્થીઓ કેમ્પસમાં વિરોધ કરી રહ્યા છે પરંતુ વિદ્યાર્થીઓએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે તેમનું આંદોલન કેમ્પસમાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના કાર્યકરોના પ્રવેશ અને ત્યાર પછી ગયા બુધવારે ફરિયાદ નોંધાવવા માગતા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ સામે છે. વિદ્યાર્થીઓએ પત્રકાર પરિષદને સંબોધ્યા બાદ મંગળવારે એએમયુ કેમ્પસમાં એક માનવસાંકળ બનાવી હતી અને એવો દાવો પણ કર્યો કે તેમના વિરોધનો ઝીણા વિવાદ સાથે કોઇ લેવા દેવા નથી.