(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૦
ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આજે સતત બીજા દિવસે ધીમી ધારે વરસાદ નોંધાયો છે. ચીખલધરા, ગોપાલખેડા, લખપુરી, દેડતલાઈ, બુરહાનપુર અને યરલીમાં નોંધપાત્ર વરસાદ થતા હથનુર ડેમમાં નવા નીર ઉમેરાઈ રહ્યાં છે. સિંચાઈ વિભાગના ફર્લ્ડ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ ગત ચોવીસ કલાક દરમ્યાન તાપી નદીના કેચમેન્ટ એરિયામાં આવેલ ૨૧ ગેજસ્ટેશનમાં ધીમી ધારે સતત બીજા દિવસે પણ વરસાદની હાજરી નોંધાઈ છે. ટેસ્કામાં ૮મીમી, લખપુરીમાં ૨૬મીમી, ચીખલધરામાં ૭૨મીમી, ગોપાલખેડામાં ૩૦મીમી, દેડતલાઈમાં ૧૬મીમી, બુરહાનપુરમાં ૧૧મીમી, યરલીમાં ૧૫મીમી, હથનુરમાં ૩મીમી, ભુસાવલમાં ૩મીમી, દહીગામમાં ૧મીમી, સાવખેડામાં ૧મીમી જેટલો વરસાદ નોંધાયો છે. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે ૨૦૯ મીટરશ્વની સપાટી નોંધાઈ છે.તાપી નદીના કેચમેન્ટ એરિયામાં સતત બીજા દિવસે પણ વરસાદ નોદ્વધાતા હથનુર ડેમમાં નવા નીર ઉમેરાઈ રહ્યાં છે. હથનુર ડેમમાંથી હાલ પાણી છોડવાની કોઈ શક્યતા નથી. હથનુરથી ઉકાઈ ડેમ સુધી મહારાષ્ટ્રમાં આવેલ તાપી નદીના કેચમેન્ટ એરિયામાં ગત ચોવીસ કલાક દરમ્યાન વરસાદ નોંધાયો નથી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફુટની સામે આજે સાંજે ૨૮૨.૨૫ ફુટની સપાટી નોંધાઈ હોવાનું જાણવા મળે છે.